વિજય હઝારે ટ્રોફીઃ કાર્તિકનું નસીબ ચમક્યું, તમિલનાડુ ક્રિકેટ ટીમે બનાવ્યો કેપ્ટન
ચેન્નઇઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું નસીબ ચમક્યું હતું. ભારતીય વિકેટકીપર બેટ્સમેનને 2023માં યોજાનારી વિજય હઝારે ટ્રોફી માટે તમિલનાડુ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. 50 ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ 23 નવેમ્બર, ગુરુવારથી શરૂ થશે અને ફાઇનલ 16 ડિસેમ્બરે રમાશે.
અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તમિલનાડુની કેપ્ટનશીપ સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને સોંપવામાં આવી હતી. હવે 50 ઓવરની ટૂર્નામેન્ટ માટે તમિલનાડુ તરફથી કેપ્ટનશિપની જવાબદારી ભારત તરફથી રમતા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને સોંપવામાં આવી છે. જો કે કાર્તિક છેલ્લા એક વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર છે.
દિનેશ કાર્તિક ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમનો ભાગ હતો. આ પછી તેણે નવેમ્બર 2022 માં બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયા માટે તેની છેલ્લી મેચ રમી હતી.