નિસન્કા, વેલાલાગેની હાફ સેન્ચુરીને લીધે શ્રીલંકાને મળ્યો 230નો સન્માનજનક સ્કોર

કોલંબો: યજમાન શ્રીલંકાએ અહીં સિરીઝની પ્રથમ વન-ડેમાં બૅટિંગ લીધા બાદ નબળી શરૂઆત કર્યા પછી છેવટે 20 ઓવરને અંતે 230/8નો સ્કોર નોંધાવ્યો હતો. બે બૅટરને બાદ કરતા બીજામાંથી કોઈ પણ બૅટર પચીસ રન પણ નહોતું કરી શક્યું.
જોકે ઓપનર પથુમ નિસન્કા (56 રન, 75 બૉલ, નવ ફોર) અને સાતમા નંબરના બૅટર દુનિથ વેલાલાગે (67 અણનમ, 65 બૉલ, બે સિક્સર, સાત ફોર)એ અડધી સદી ફટકારીને શ્રીલંકાની ટીમને ભારત સામે મોટી મુશ્કેલીમાંથી ઉગારી હતી.
આ પણ વાંચો: કેએલ રાહુલનું છ મહિને ટીમ ઇન્ડિયામાં અને દુબેનું છ વર્ષે વન-ડે ટીમમાં કમબૅક
અર્શદીપ સિંહને શરૂઆતમાં વિકેટ નહોતી મળી, પરંતુ શ્રીલંકાની સાતમી અને આઠમી (છેલ્લી બે વિકેટ) લઈને તેણે વિકેટ લેનાર ટીમના બધા રેગ્યુલર બોલર્સમાં પોતાનું નામ પણ લખાવી દીધું હતું.
અક્ષર પટેલે પણ બે વિકેટ લીધી હતી. એ સિવાય, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે, કુલદીપ યાદવ અને વૉશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ લઈને તેમ જ ઇકોનોમી રેટ સારો જાળવી રાખીને શ્રીલંકન ટીમને અઢીસોના સ્કોર સુધી નહોતું પહોંચવા દીધું.
શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલન્કાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી.