IND Vs SA: ગંભીર અંગે ઈન્ડિયન સ્પિનર વરુણ ચક્રવર્તીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
ગકેબરહાઃ ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. મેચ બાદ વરુણ ચક્રવર્તીએ કહ્યું હતું કે સ્થાનિક ક્રિકેટમાં રમીને અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા અંગેની સ્પષ્ટતાએ તેને ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ વાપસી કરવામાં મદદ કરી હતી.
આ 33 વર્ષીય સ્પિનરે રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 17 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી, જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે, ભારત આ મેચ ત્રણ વિકેટે હારી ગયું હતું.
મેચ બાદ વરુણે પત્રકારોને કહ્યું હતું કે ચોક્કસપણે છેલ્લા ત્રણ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. આ દરમિયાન હું વધુ ને વધુ ક્રિકેટ રમ્યો છું. મેં ડોમેસ્ટિક લીગમાં પણ રમવાનું શરૂ કર્યું અને તેનાથી મને મારી રમત સમજવામાં ચોક્કસપણે મદદ મળી છે. વરુણએ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો જે આ વર્ષે આઈપીએલ ચેમ્પિયન બની હતી. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનેલા ગૌતમ ગંભીર તે સમયે કોલકત્તાની ટીમનો મેન્ટર હતો.
રાષ્ટ્રીય ટીમમાં વાપસીને લઈને વરુણે કહ્યું કે આમાં ગંભીરની ભૂમિકા મહત્વની હતી. તેમણે કહ્યું હતું કે હા, અમે બાંગ્લાદેશ સામેની સીરિઝમાં રમી રહ્યા હતા અને તેઓ ટીમના કોચ હતા. અમે ચોક્કસપણે ઘણી વાતો કરી અને તેમણે મારી ભૂમિકા વિશે ઘણી સ્પષ્ટતા આપી હતી.
આપણ વાંચો: ગૌતમ ગંભીર પર લટકતી તલવાર, હવે સિરીઝ હારીશું તો હોદ્દો ગયો જ સમજો!
વરુણે કહ્યું હતું કે તેમણે મને કહ્યું કે જો હું 30-40 રન પણ આપી દઉં તો કોઈ વાંધો નથી. તમારે માત્ર વિકેટ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તે જ ટીમમાં તમારી ભૂમિકા છે. આ પ્રકારની સ્પષ્ટતાએ મને વાપસી કરવામાં ચોક્કસપણે મદદ કરી હતી.
ભારત બીજી મેચમાં સાઉથ આફ્રિકા સામે 125 રનનો જ ટાર્ગેટ આપી શક્યું હતું પરંતુ વરુણની શાનદાર બોલિંગના કારણે ભારતે સારી વાપસી કરી હતી, પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સ (47) અને ગેરાલ્ડ કોએત્ઝી (19)એ અતૂટ ભાગીદારી કરી હતી અને તેમની ટીમને વિજય અપાવ્યો હતો.
વરુણે કહ્યું હતું કે, ‘બ્રેક દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે અમારે પરિણામ વિશે વિચારવાની જરૂર નથી અને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે. અમે આ કર્યું અને અમે વિજયની નજીક પણ હતા. ‘જ્યારે તમે નાના ટાર્ગેટનો બચાવ કરવા માટે મેદાનમાં ઉતરો છો ત્યારે તમારી માનસિકતા આક્રમક હોય છે.
અમે માત્ર વિકેટ લઈને જ મેચ જીતી શક્યા હોત. અમે આગામી બે મેચોમાં આ જ માનસિકતા સાથે રમીશું કારણ કે હવે આ મેચો અમારા માટે કરો યા મરો જેવી બની ગઈ છે.