14 વર્ષનો વૈભવ સૂર્યવંશી દેશની શાન: રાષ્ટ્રપતિના હાથે મળ્યો એવોર્ડ, વડા પ્રધાન મોદીએ વખાણ કર્યા…

નવી દિલ્હી: બિહારના 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી એ આ વર્ષે શાનદાર પ્રદર્શન કરીને ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે તેણે 84 બોલમાં 190ની ઇનિંગ રમી હતી, આ પ્રદર્શન છતાં વૈભવ મણિપુર સામે આજે રમાઈ રહેલી મેચમાં નથી રમી રહ્યો, કેમ કે રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યા.
આ એવોર્ડ સમારોહ બાદ વૈભવ સૂર્યવંશી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો, વડાપ્રધાને વૈભવની ક્રિકેટ સ્કિલ અને તેની મેળવેલી સિદ્ધિઓના વખાણ કર્યા. વડાપ્રધાને વૈભવને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
રાષ્ટ્રપતિ મુર્મુએ બાળકોને બિરદાવ્યા:
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રમતગમત, બહાદુરી, ઇનોવેશન, વિજ્ઞાન, સમાજ સેવા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર 5 થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવતો નાગરિક સન્માન પુરષ્કાર છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે રાષ્ટ્રપતિભવનમાં હાજર થયેલા બાળકોને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “તમેં મેળવેલી સિદ્ધિઓ સમગ્ર દેશને પ્રેરણા આપી રહી છે, આજે જેને સન્માન આપવામાં આવ્યું છે એ દરેક બાળક સમાન રીતે મહત્વપૂર્ણ અને મૂલ્યવાન છે. આવા પ્રતિભાશાળી બાળકોના કારણે જ ભારત વૈશ્વિક મંચ પર ચમકતું રહે છે.”
વૈભવ અંડર-19 વર્લ્ડ કપમાં જોવા મળશે:
વૈભવ હવે વિજય હજારે ટ્રોફીની બાકીની મેચો માટે બિહાર તરફથી રમતો નહીં જોવા મળે, હવે વૈભવ 15 જાન્યુઆરીથી ઝિમ્બાબ્વેમાં શરૂ થનારા અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં રમતો જોવા મળશે.
આ પણ વાંચો…પાકિસ્તાની બોલર બહુ કૂદવા લાગ્યો એટલે વૈભવ સૂર્યવંશીએ તેની ઇજ્જત કેટલી છે એ તેને બતાવી દીધું
2025નું વર્ષ શાનદાર રહ્યું:
નોંધનીય છે કે 2025નું વર્ષ વૈભવ સૂર્યવંશી માટે શાનદાર રહ્યું, તેણે રેકોર્ડની વણઝાર લાવી દીધી છે. આ વર્ષે તેણે સૌથી નાની ઉંમરે IPL ડેબ્યુ કર્યું હતું, રાજસ્થાન રોયાલ્સ તરફથી તણે સદી ફટકારી હતી અને વર્લ્ડ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો હતો.
તાજેતરમાં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા-A માટે રમતા તેણે માત્ર 32 બોલમાં સદી ફટકારી હતી. જો કે ફાઈનલ મેચ મેચમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં, જેમાં ભારતીય ટીમની પાકિસ્તાન સામે હાર થઇ.
વૈભવની પ્રતિભાને જોતા તે ભવિષ્ય ભારતીય ક્રિકેટ ટીમમાં રમતો જોવા મળે એવી ક્રિકેટ ચાહકોને આશા છે, BCCIના સિલેક્ટર્સ અત્યારથી જ તેના પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો…વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સ્થાન ક્યારે મળશે? શશિ થરૂરે BCCI પાસે કરી મોટી માંગ



