રણજી ટ્રોફી: મુંબઈ ઉપરાંત ગુજરાતની મૅચ પણ ડ્રૉ, બન્નેએ મેળવ્યા ત્રણ-ત્રણ પૉઇન્ટ…
અગરતલા/જયપુર: મંગળવારે મુંબઈ અને ત્રિપુરા વચ્ચે અગરતલામાં રણજી ટ્રોફી મૅચ ડ્રૉમાં પરિણમી હતી. પ્રથમ દાવની સરસાઈ બદલ મુંબઈને ત્રણ પૉઇન્ટ મળ્યા, જ્યારે ત્રિપુરાને એક પૉઇન્ટ ફાળવવામાં આવ્યો હતો. મુંબઈએ બીજો દાવ 123/6ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો, પરંતુ 272 રનના લક્ષ્યાંક સામે ત્રિપુરાનો સ્કોર 48/0 હતો ત્યારે અમ્પાયર્સે મૅચને ડ્રૉ જાહેર કરી હતી. મુંબઈ પ્રથમ મૅચમાં બરોડા સામે હારી ગયું હતું, પરંતુ ત્યાર બાદ મુંબઈનો મહારાષ્ટ્ર સામે વિજય થયો હતો. ગ્રૂપ ‘એ’માં બરોડા (19 પૉઇન્ટ) નંબર વન, જમ્મુ-કાશ્મીર (11) નંબર ટૂ, ત્રિપુરા (9) નંબર થ્રી અને મુંબઈ (9) નંબર ફોર છે.
આ પણ વાંચો : વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…
જયપુરમાં ગુજરાત-રાજસ્થાન મૅચ ડ્રૉમાં પરિણમી હતી. 16 રનની લીડ બદલ ગુજરાતને ત્રણ પૉઇન્ટ મળ્યા હતા અને રાજસ્થાનને એક પૉઇન્ટ મળ્યો હતો. ઉમંગ કુમારના અણનમ 153 રન ગુજરાતના બીજા દાવ (314/9)ની સૌથી મોટી વિશેષતા હતી. જયમીત પટેલના 82 રનનું પણ બીજા દાવમાં મહત્ત્વનું યોગદાન હતું. રાજસ્થાનના લેફ્ટ-આર્મ સ્પિનર કુકના અજય સિંહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
એ પહેલાં, ગુજરાતના પ્રથમ દાવના 335 રનના જવાબમાં રાજસ્થાને 319 રન બનાવ્યા હતા.
ઔરંગાબાદમાં મહારાષ્ટ્રએ મેઘાલયને 10 વિકેટે હરાવીને બોનસ પૉઇન્ટ મેળવ્યો હતો.
આ પણ વાંચો : રણજીની નવી સીઝનમાં બરોડા ત્રણ મૅચ રમ્યું અને ત્રણેયમાં…
સોમવારે બરોડાએ સતત ત્રીજી મૅચ જીતીને વિજયની હૅટ-ટ્રિક કરી હતી. બરોડાનો ઓડિશા સામે એક દાવ અને 98 રનથી વિજય થયો હતો, જ્યારે સૌરાષ્ટ્રનો રેલવે સામે 37 રનથી પરાજય થયો હતો.