માર્ગ અકસ્માતમાં ભારતીય ક્રિકેટરનું નિધન; ક્રિકેટ જગતમાં શોક

અગરતલા: પશ્ચિમ ત્રિપુરાના આનંદનગરમાં થેયલા એક માર્ગ અકસ્માતમાં ભૂતપૂર્વ ક્રિકેટર રાજેશ વણિકનું મૃત્યુ થતા ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ઓલરાઉન્ડર રાજેશ વણિક અંડર-19 વર્લ્ડ કપમાં ભારત ટીમ તરફથી રમ્યો હતો, અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રાજ્યની ટીમમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો.
રાજેશ વણિકના મૃત્યુના સમાચાર આપતા ત્રિપુરા ક્રિકેટ એસોસિએશન (TCA) ના અધિકારીએ કહ્યું, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે એક પ્રતિભાશાળી ક્રિકેટર અને અંડર-16 ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ ગુમાવ્યા છે. અમે આઘાતમાં છીએ. તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.”
અહેવાલ મુજબ, રાજેશ વણિકનો જન્મ 12 ડિસેમ્બર, 1984ના રોજ અગરતલામાં થયો હતો. તેણે વર્ષ 2002-03ની રણજી સીઝનમાં ત્રિપુરા માટે ડેબ્યૂ કર્યું હતું. રાઈટ હેન્ડ બેટર અને લેગ-બ્રેક બોલર તરીકે તેમણે 42 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં 19.32નીએવરેજથી 1,469 રન બનાવ્યા, તેણે છ ફિફ્ટી ફટકારી હતી, તેનો હાઈએસ્ટ સ્કોર 93 છે.
રાજેશ વણિકે 24 લિસ્ટ A મેચ પણ રમી હતી, જેમાં તેણે 378 રન બનાવ્યા હતાં, આ દરમિયાન તેણે એક અણનમ સદી (101*)ન સમાવેશ થાય છે, લિસ્ટ-A ક્રિકેટમાં તેના નામે 8 વિકેટ છે.
ત્રિપુરા રાજ્ય માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 18 T20 મેચ રમી હતી. એક સ્પોર્ટ્સ ન્યુઝ વેબ સાઈટ અનુસાર, રાજેશ વણિકે વર્ષ 2000 માં ભારતીય અંડર-15 ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો, એ ટીમમાં અંબાતી રાયડુ અને ઇરફાન પઠાણ જેવા ખેલાડીઓ પણ હતાં.
તેણે ત્રિપુરા માટે વિજય મર્ચન્ટ ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, સીકે નાયડુ ટ્રોફી અને એમએ ચિદમ્બરમ ટ્રોફી સહિત વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
તેણે છેલ્લે નવેમ્બર 2018 માં ઓડિશા સામે કટકમાં મેચ રમી હતી. નિવૃત્તિ બાદ રાજેશ વણિક ત્રિપુરાની અંડર-16 ટીમના સિલેક્ટર્સ ફરજ બજાવતો હતો.
અગરતલામાં બંગાળ સામે ચાલી રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન ત્રિપુરાની સિનિયર પુરુષ ટીમે રાજેશ વણિકના મૃત્ય અંગે શોક વ્યક્ત કરતા હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશને શનિવારે તેના મુખ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.



