સ્પોર્ટસ

ટ્રેઇનરે કપાયેલી આંગળીએ મસાજ કર્યો અને ટેનિસના વર્લ્ડ નંબર-વન ખેલાડીએ પ્રતિબંધ ભોગવવો પડ્યો!

લંડનઃ પુરુષોની ટેનિસના સર્વોચ્ચ ક્રમાંકિત ખેલાડી યાનિક સિન્નરના પ્રતિબંધિત ડ્રગ્સના સેવન સંબંધિત ડોપિંગ ટેસ્ટના ઉપરાઉપરી બે પૉઝિટિવ રિપોર્ટ આવતાં તેના રમવા પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 23 વર્ષના ઇટાલિયન ખેલાડી સિન્નરે એવી દલીલ કરી હતી કે જાણી જોઈને ક્લૉસ્ટેબૉલ નામનું પ્રતિબંધિત ડ્રગ નહોતું લીધું.

બૅન હેઠળનું એ દૃવ્ય મારા ટ્રેઇનરે મને જે મસાજ કર્યું હતું એને લીધે મારા શરીરમાં આવ્યું હતું, કારણકે મારા એ ટ્રેઇનરની આંગળીમાં કાપો પડી ગયો હતો અને એ આંગળીએ તેમણે મને જે દૃવ્યથી મસાજ કર્યું હતું એમાં પ્રતિબંધિત ક્લૉસટેબૉલ હતું.

' વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-વાડા)એ સિન્નરની ડોપિંગના પરીક્ષણ માટે યુરિનનું બે વખત જે સૅમ્પલ મગાવ્યું હતું એ બન્નેમાં ક્લૉસ્ટેબૉલ હોવાનું પુરવાર થતાં વાડાએ સિન્નરના રમવા પર ઓછામાં ઓછા એક વર્ષનો પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

આપણ વાંચો: અરે આ શું! ટેનિસ ખેલાડીએ રૅકેટ ફટકારીને પોતાને જ ઘાયલ કર્યો…

જોકે ઇન્ટરનૅશનલ ટેનિસ ઇન્ટિગ્રિટી એજન્સી (આઇટીઆઇએ)એ સિન્નરથી આ પ્રતિબંધિત દૃવ્ય અકસ્માતે લેવાઈ ગયું હોવાની દલીલ કરીને સંભવિત સસ્પેન્શન સામે વિરોધ કર્યો હતો.

એક વર્ષથી સિન્નરના આ ડોપિંગને લગતો કેસ ચાલી રહ્યો હતો અને છેવટે વાડા સાથે સમજૂતી થઈ અને સિન્નર ત્રણ મહિનાના વાડાએ સૂચવેલા પ્રતિબંધ માટે સહમત થયો છે. જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયન ઓપનનો સિંગલ્સનો તાજ જીતનાર સિન્નર હવે પછીની ગૅ્રન્ડ સ્લૅમ સ્પર્ધામાં રમી શકશે. એ સ્પર્ધા (ફ્રેન્સ ઓપન) પચીસમી મેથી પૅરિસમાં રમાશે.

આપણ વાંચો: ટેનિસ-સમ્રાટે છેવટે જાહેર કરી દીધી નિવૃત્તિ, કહી દીધું કે…

વાડાએ જણાવ્યું છે કેસિન્નરે ટેનિસની રમત સાથે કોઈ પ્રકારની છેતરપિંડી નથી કરી અને તેણે ક્લૉસ્ટેબૉલ નામના પ્રતિબંધિત કેફીદૃવ્યનો ઉપયોગ પોતાનો પર્ફોર્મન્સ સુધારવા માટે નહોતો કર્યો તેમ જ તેની જાણ બહાર તેના શરીરમાં એ દૃવ્ય પહોંચ્યું હતું એ વાત સાચી, પરંતુ આચાર સંહિતા મુજબ આ ઍથ્લીટની (પ્લેયરની) જ લાપરવાહી કહેવાય, કારણકે પોતાના શરીરમાં કોઈ પણ પ્રકારનું પ્રતિબંધિત દૃવ્ય ન પહોંચે કે પોતાનું શરીર એવા કોઈ દૃવ્યના સંપર્કમાં ન આવે એની તકેદારી ખુદ ઍથ્લીટે (ખેલાડીએ) રાખવી પડતી હોય છે.’

સિન્નરે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે આવતા અઠવાડિયે દોહામાં રમાનારી કતાર ઓપન માટે પ્રૅક્ટિસ કરી રહેલો જોવા મળ્યો હતો. જોકે હવે નવમી ફેબ્રુઆરીથી ચોથી મે સુધીનો જે પ્રતિબંધ લાગુ કરાયો છે એ જોતાં તે હવે દોહાની સ્પર્ધામાં નહીં રમી શકે. હવે તે છેક સાતમી મેથી રોમમાં શરૂ થનારી ઇટાલિયન ઓપનમાં ભાગ લઈ શકશે.

ઇટાલિયન ટેનિસ ફેડરેશનના ચીફ ઍન્જેલો બિનાગીએ પત્રકારોને કહ્યું હતું કે `સિન્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ હતી, પણ હવે એ બૅન ઘટાડીને ત્રણ મહિનાનો કરાયો એ જ બતાવે છે કે સિન્નર નિર્દોષ છે છતાં તેના પર બૅન મુકાયો છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button