ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે પહેલી વન-ડે મેચ
…તો અશ્વિન માટે વર્લ્ડ કપના દરવાજા ખૂલશે
મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન-ડે મેચ પૈકી સૌથી પહેલી વન-ડેમેચ આવતીકાલે રમાડવામાં આવશે. આ મેચ મોહાલીમાં આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. વર્લ્ડકપની તૈયારી માટે મહત્ત્વની ગણાતી સીરિઝ બંન્ને દેશો માટે મહત્વપૂર્ણ છે, જેથી બંન્ને ટીમો જીત સાથે શરૂઆત કરવા માંગશે.
ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ વિના પહેલી વન-ડેમાં રમશે આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ પાસે પોતાની બેન્ચ સ્ટ્રેન્થને ચકાસવાની ઉત્તમ તક રહેશે. માનવામાં આવી રહ્યું છે કે જો અશ્વિનનું પ્રદર્શન સારું રહેશે તો આગામી વર્લ્ડ કપ માટે દરવાજા ખૂલી શકે છે.
શ્રેયસ ઐય્યર માટે તેની ફિટનેસ સાબિત કરવાની આ ઉત્તમ તક છે. બીજી તરફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. 28 વર્ષીય શ્રેયસ છેલ્લા છ મહિનાથી ક્રિકેટ રમ્યો નથી. સર્જરી કરાવ્યા બાદ પરત ફરેલા ઐય્યર પાકિસ્તાન સામેની મેચ સિવાય કોઇ પણ મેચ રમ્યો નથી.
ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ ભારત માટે ઓપનર તરીકે જોવા મળી શકે છે. આ પછી ઈશાન કિશન નંબર-3 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ હશે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. રવિ અશ્વિનને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. જ્યારે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગની જવાબદારી નિભાવશે.
પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે કહ્યું હતું કે શ્રેયસ ઐય્યર સીરિઝની ત્રણેય મેચ રમી શકે છે સૂર્યકુમારનું વન-ડેમાં ફોર્મ ખરાબ છે ત્યારે વર્લ્ડ કપ અગાઉ સારુ પ્રદર્શન કરી કેપ્ટનનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે. કુલદીપ યાદવ અને પંડ્યાની ગેરહાજરીમાં અશ્વિન અને સુંદર બંન્નેએ સારુ પ્રદર્શન કરવું પડશે.
બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ 2-3થી હારવા છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ શાનદાર છે. તેઓએ માર્ચમાં ભારતમાં છેલ્લી વનડે શ્રેણી જીતી હતી. 8 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને થવાની છે. ટ્રેવિસ હેડની ઇજાએ માર્નસ લાબુશેનને એક તક આપી છે જેનો તે લાભ લેવા માંગે છે. જોકે, સપાટ ભારતીય પીચ પર ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ એક વાસ્તવિક પડકાર હશે.