
અમૃતસર: મજબૂત શરીરના લોકોના પણ હૃદય હવે કમજોર પડી રહ્યા છે. આ વાતના ઉદાહરણ અવારનવાર સામે આવતા હોય છે. જીમમાં કસરત કરતા લોકોનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. જોકે, આજે એક બોડી બિલ્ડર અને એક્ટરનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. આ એક્ટરે સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. આ એક્ટર કોણ છે, આવો જાણીએ.
બોડી બિલ્ડર વરિંદર સિંહનું નિધન
53 વર્ષીય પંજાબી અભિનેતા અને બોડી બિલ્ડર વરિંદર સિંહનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. વરિંદર સિંહને બાઇસેપ્સ ઇન્જરીના કારણે ઓપરેશન કરાવવા માટે અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બહુ મોટું ઓપરેશન ન હોવાથી, તેઓ એકલા જ હોસ્પિટલ ગયા હતા. ઓપરેશન બાદ તેઓને આજે હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. પરંતુ વરિંદર સિંહને અચાનક કાર્ડિયક એરેસ્ટ આવ્યો હતો. જેથી હૃદય બંધ થતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
‘ટાઈગર 3’માં સલમાન ખાન સાથે કર્યું હતું કામ
બોડી બિલ્ડર વરિંદર સિંહે સલમાન ખાન સાથે ‘ટાઈગર 3’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન
વરિંદર સિંહની બોડી જોઈને સલમાન ખાન પણ સ્તબ્ધ રહી ગયો હતો. સલમાન ખાન સહિતના કલાકારોએ વરિંદર સિંહની બોડીના વખાણ કર્યા હતા. વરિંદર સિંહે ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાન સાથેના પોતાના ફોટો પણ શેર કર્યા હતા. જ્યારે ‘ટાઈગર 3’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે પણ વરિંદર સિંહ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વરિંદર સિંહ ‘મિસ્ટર ઈન્ડિયા 2009’ બની ચૂક્યા છે. આ સિવાય તેઓ ‘મિસ્ટર એશિયા ચેમ્પિયનશિપ’માં બીજા ક્રમે આવ્યા હતા. તેઓને ‘ધ હીમૈન ઓફ ઈન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દારાસિંગની જેમ એક્ટિંગનો શોખ હોવાથી તેમણે ફિલ્મોમાં એક્ટર તરીકે ઝંપલાવ્યું હતું. જોકે, હાલ તેમના મૃત્યુના સમાચારથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોડી-બિલ્ડર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આપણ વાંચો : આ કારણે સૈફ અલી ખાન હુમલા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ચાલતો બહાર આવ્યો?