બોપન્નાની માયામીમાં એક સાથે ત્રણ મિજબાની
માયામી: એક બાજુ જુલાઈમાં 43 વર્ષ પૂરા કરનારો એમએસ ધોની તેની સંભવિત છેલ્લી આઇપીએલમાં ડાઇવ લગાવીને કૅચ પકડી હંમેશની માફક કમાલ દેખાડી રહ્યો છે એમ 44મા વર્ષે રોહન બોપન્ના ટેનિસ કોર્ટ પર ધમાલ મચાવી રહ્યો છે. એટીપી માસ્ટર્સ-1000 સ્તરની ટૂર્નામેન્ટમાં તે શનિવારે ફરી એકવાર ટાઇટલ જીતનારો વિશ્ર્વનો સૌથી મોટી ઉંમરનો ટેનિસ પ્લેયર બન્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયાના મૅટ એબ્ડેન સાથેની જોડીમાં માયામી ઓપનનું ટાઇટલ પહેલી વાર જીતી લીધું હતું.
બોપન્ના-એબ્ડેનની જોડીએ માયામીના હાર્ડ રૉક સ્ટેડિયમની ફાઇનલમાં ક્રોએશિયાના ઇવાન ડૉડિગ અને અમેરિકાના ઑસ્ટિન ક્રાઇચેકને 6-7 (3-7), 6-3, 10-6થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. બોપન્નાનું આ 26મું ડબલ્સનું ટાઇટલ છે.
બોપન્ના અને એબ્ડેન એ સાથે મેન્સ ડબલ્સમાં જોડી તરીકે ફરી વર્લ્ડ નંબર-વન બની ગયા છે.
આપણ વાંચો: બોયફ્રેન્ડના મોત પછી દુનિયાની ટેનિસ સ્ટારે કરી લોકોને મોટી અપીલ
બોપન્ના માટે આ વિજય બીજી રીતે પણ સ્પેશિયલ છે. ગયા વર્ષે 43 વર્ષની ઉંમરે ઇન્ડિયન્સ વેલ્સનું ટાઇટલ જીતીને તેણે નવો ઇતિહાસ રચ્યો હતો. હવે તે 44 વર્ષનો છે અને ફરી ડબલ્સનું ટાઇટલ જીતીને તેણે પોતાનો જ વિક્રમ તોડ્યો કહેવાય.
બોપન્ના આ વર્ષે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સનું ટાઇટલ જીત્યો હતો.
બોપન્નાની આ 14મી એટીપી માસ્ટર્સ-1000 ફાઇનલ હતી. ભારતીય પ્લેયરની આ 63મી એટીપી ટૂર લેવલ ફાઇનલ હતી.
શનિવારે તે જે ફાઇનલ જીત્યો એમાં પહોંચ્યો ત્યારે પણ તેના નામે એક સિદ્ધિ લખાઈ હતી. તમામ નવ એટીપી માસ્ટર્સ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારો તે લિયાન્ડર પેસ પછીનો બીજો ભારતીય બન્યો હતો.