ભારત સામેની પહેલી વન-ડે પૂર્વે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કરાયો આ ફેરફાર
મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમને ઝટકો લાગ્યો છે. ગ્લેન મેક્સવેલ અને મિશેલ સ્ટાર્ક સંપૂર્ણ રીતે ફિટ નથી અને આ બંને ખેલાડીઓ પ્રથમ વનડે રમી શકશે નહીં. મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન કમિન્સે કહ્યું હતું કે સ્ટીવ સ્મિથ ફિટ છે અને પ્રથમ વનડેમાં રમશે.
કમિન્સે કહ્યું હતું કે મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ પ્રથમ વન-ડેમાં રમશે નહી જ્યારે સ્ટીવ સ્મિથ વાપસી કરશે. સ્મિથ દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની શ્રેણીમાં રમ્યો ન હતો.
હું સંપૂર્ણ રીતે ફિટ છું અને ત્રણેય વન-ડે રમીશ. અમે દરેકને મેચનો સમય આપવા માંગીએ છીએ. કારણ કે અમારે થોડા અઠવાડિયામાં વર્લ્ડ કપ રમવાનો છે. તે (સ્ટીવ સ્મિથ) એકદમ ઠીક છે, એમ કમિન્સે જણાવ્યું હતું.
કમિન્સ અને સ્ટીવ સ્મિથને કાંડામાં ઇજા થઇ હતી, જ્યારે મિશેલ સ્ટાર્કને ખભામાં દુખાવો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટને એમ પણ કહ્યું હતું કે કે તેઓ ટીમમાં ચાર બોલરોને સામેલ કરશે, જ્યારે એડમ ઝમ્પા ડેથ ઓવરોમાં ત્રણથી ચાર ઓવર ફેંકી શકે છે.