સતત બે હાર બાદ ભારતીય મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે ફેરફાર, જાણો કોચે શું કહ્યું?

વિશાખાપટ્ટનમઃ વર્લ્ડ કપમાં સતત બે હાર બાદ ભારતીય મહિલા ટીમના કોચ અમોલ મુઝુમદારે સંકેત આપ્યો હતો કે ટીમ મેનેજમેન્ટ છઠ્ઠા બોલરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા અને બેટિંગ ક્રમમાં ફેરફાર માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ ચાર દિવસના સમયગાળામાં ભારતને હાર આપી હતી, જેનાથી આ મોટી આઈસીસી ટુર્નામેન્ટમાં ઘરઆંગણાની ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની રેસ વધુ મુશ્કેલ બની છે.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં મુઝુમદારે કહ્યું હતું કે આ મેચ (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ) પછી અમે તેના (પાંચ બોલરોના અભિગમ) પર વિચાર કરીશું અને મને ખાતરી છે કે ટીમ મેનેજમેન્ટ તેના પર યોગ્ય ચર્ચા કરશે અને પછી અમે આગામી મેચ માટે યોગ્ય નિર્ણય લઈશું.” ભારત રવિવારે ઇન્દોરમાં તેમની આગામી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે અને તે પહેલાંના સમયનો ઉપયોગ ટીમ કોમ્બિનેશનને સુધારવા માટે કરી શકાય છે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંન્નેએ ભારતની પાંચ બોલરોની રણનીતિની નબળાઈઓને ઉજાગર કરી હતી. તેઓએ સ્પિનરોને સાવધાનીપૂર્વક રમીને બિનઅનુભવી ઝડપી બોલરો ક્રાંતિ ગૌડ અને અમનજોત કૌરને નિશાન બનાવ્યા હતા. તાજેતરની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગૌડ અને કૌરે ફેંકેલી 18 ઓવરમાં 141 રન ફટકાર્યા હતા.
તેનાથી વિપરીત તેઓએ ડાબા હાથની સ્પિનર શ્રી ચારણી અને ઓફ સ્પિનર દીપ્તિ શર્મા સામે વધુ સાવધાની પૂર્વક બેટિંગ કરી હતી. જેમણે સંયુક્ત રીતે 20 ઓવરમાં ફક્ત 93 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ સ્થિતિમાં ઇન્દોર અથવા ત્યારબાદની મેચોમાં ભારત રાધા યાદવ જેવા ડાબા હાથની સ્પિનરને પ્લેઇંગ ઈલેવનમાં લાવવાનું વિચારી શકે છે.
જ્યારે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે 24.3 ઓવરમાં 155 રનની ભાગીદારી કરી હતી ત્યારે ભારત પાસે રિચા ઘોષ અથવા જેમિમાહ રોડ્રિગ્સને ક્રમમાં ઉપર પ્રમોટ કરીને તેનો લાભ લેવાની તક હતી. પરંતુ ટીમે ત્રીજા ક્રમે હરલીન દેઓલ અને ચોથા ક્રમે કેપ્ટન હરમનપ્રીત કૌરને પસંદ કર્યા હતા. બંને બેટ્સમેન અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા હતા. દેઓલ (42 બોલમાં 38 રન) અને હરમનપ્રીત (17 બોલમાં 22 રન) ની ધીમી ઇનિંગ્સે ભારતની ગતિને નોંધપાત્ર રીતે ધીમી કરી દીધી હતી અને ઓસ્ટ્રેલિયાને મેચમાં વાપસી કરવાની તક મળી હતી.
મજુમદારે કહ્યું હતું કે, “મને લાગે છે કે અમારી પાસે ખૂબ જ સ્થિર બેટિંગ ક્રમ છે. હું તેને વધારે બદલવા માંગતો નથી, પરંતુ જરૂર પડ્યે અમે ફેરફાર કરવા માટે તૈયાર છીએ. અમારી પાસે રિચાને ઉપરના ક્રમે મોકલવાની તક છે અને કેટલીકવાર અમારી પાસે દીપ્તિ શર્માની સારી બેટિંગે પણ મદદ કરી છે. પરંતુ હું બેટિંગ ક્રમ સાથે વધુ પડતા ચેડા કરવા માંગતો નથી.”
તેમણે કહ્યું હતું કે, “હું હંમેશા આ કહું છું ડ્રેસિંગ રૂમમાં પણ આપણને સારી શરૂઆતની જરૂર છે, પરંતુ આપણને વધુ સારા ફિનિશની જરૂર છે. બોલિંગનો સવાલ છે તો છેલ્લી પાંચ ઓવરમાં અમે તે મેચ હારી ગયા હતા.”
આ પણ વાંચો…ભારતને હરાવવાની કઈ ‘રણનીતિ’ સફળ થઈ? ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીએ કર્યો ખુલાસો