જૂનિયર મહિલા હૉકી વર્લ્ડકપમાં અમેરિકાને હરાવીને ભારતીય ટીમ નવમા સ્થાને રહી
સેન્ટિયાગો (ચિલી): ગોલકીપર માધુરી કિંડોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે સડન ડેથમાં અમેરિકાને 3-2થી હરાવ્યું અને જૂનિયર મહિલા હૉકી વર્લ્ડ કપમાં નવમું સ્થાન મેળવ્યું હતું. મેચમાં ભારત અને અમેરિકાએ નિર્ધારિત સમયમાં બે-બે ગોલ કર્યા હતા.
આ પછી મેચ સડન ડેથ સુધી પહોંચી હતી જેમાં માધુરીએ શાનદાર બચાવ કર્યો હતો જ્યારે રૂતજા દાદાસો પિસાલે ગોલ કરીને ભારતને જીત અપાવી હતી. નિર્ધારિત સમયમાં મંજુ ચૌરસિયા (11મી) અને સુનિલિતા ટોપ્પોએ એક-એક ગોલ કર્યો હતો. જ્યારે અમેરિકા માટે બંને ગોલ કિર્સ્ટન થોમસે (27મા અને 53મા) કર્યા હતા.
પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોએ પોતાનું સંપૂર્ણ કૌશલ્ય બતાવ્યું હતું. ભારત માટે મુમતાઝ અને રૂતાઝાએ પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ કર્યા હતા. રૂતાજા બાદમાં સડન ડેથમાં પણ ગોલ કરવામાં સફળ રહી હતી. અમેરિકા માટે કેટી ડિક્સન અને ઓલિવિયા બેન્ટ કોલે પેનલ્ટી શૂટ-આઉટમાં ગોલ કર્યા હતા.