ગજબ થઈ ગયું! આખી ટીમ ફક્ત બે રનમાં ઑલઆઉટ, છ રનનો 215 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તૂટ્યો
મિડલસેક્સ કાઉન્ટીની ટીમના આઠ બૅટ્સમેનના શૂન્ય, બેમાંથી એક રન એક્સ્ટ્રાનો, કમનસીબ ટીમ 424 રનથી પરાજિત

લંડનઃ ક્રિકેટની રમતમાં ઘણી વાર અણધાર્યું બની જતું હોય છે એ તો ઘણી વાર સાંભળ્યું છે અને અનુભવ્યું પણ છે, પરંતુ આપણે જે ઘટનાની વિગતો જાણવા જઈ રહ્યા છીએ એ વાંચીને દરેકને થશે સાવ આવું! આવું તે કંઈ બનતું હોય?
`ઐસા ભી હોતા હૈ’ એ કહેવત ઇંગ્લૅન્ડની મિડલસેક્સ કાઉન્ટી (Middlesex county)ની તાજેતરની ઘટનાને અચૂક લાગુ પડી શકાય. તાજેતરમાં મિડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ લીગ વન-ડે ટૂર્નામેન્ટની એક મૅચમાં એક ટીમ (માત્ર 34 બૉલમાં) ફક્ત બે રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને પછી એ કમનસીબ ટીમનો 424 રનના તોતિંગ તફાવતથી પરાજય થયો હતો. આખી ટીમનો એક પછી એક બૅટ્સમૅન ઝીરો પર આઉટ થતો ગયો એમ આ કમનસીબ ટીમની છાવણીમાં સન્નાટો વધતો ગયો. ટીમનો દાવ 5.4 ઓવરમાં સમેટાઈ ગયો એટલે ધમાલ મચી ગઈ હતી. ઑલઆઉટ થનારી ટીમના ખેલાડીઓને બધા સાંત્વન આપી રહ્યા હતા અને વિજેતા ટીમની છાવણીમાં અભૂતપૂર્વ સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું.

ઇલેવનની આવી હાલત થઈ!
નવાઈની વાત એ છે કે રિચમંડ ક્રિકેટ ક્લબની ટીમના કૅપ્ટન માઇકલ રૅથોલ સહિત આઠ બૅટ્સમેન ઝીરોમાં (8 zero) આઉટ થઈ ગયા હતા. એક બૅટ્સમૅનનો એક રન હતો. ભારતીય મૂળનો બૅટ્સમૅન વિક્રમ મેન્ગલોર બૅટિંગમાં નહોતો આવ્યો. એક બૅટ્સમૅન ઝીરો પર અણનમ રહ્યો હતો. રિચમંડની ટીમને બે રન (all out in 2 runs)માંથી એક રન એક્સ્ટ્રામાં મળ્યો હતો. વિજેતા ટીમના મૅથ્યૂ રૉસોને પાંચ અને થૉમસ સ્પૉટને ત્રણ વિકેટ લીધી હતી. એક બૅટ્સમૅન રનઆઉટ થયો હતો. એક બૅટ્સમૅન અણનમ રહ્યો એક જણે બૅટિંગ જ નહોતી કરી. પાંચ બૅટ્સમેન ક્લીન બોલ્ડ થયા હતા.
1810ની સાલનો વર્લ્ડ રેકૉર્ડ તૂટ્યો
રિચમંડ નામની આ ટીમ બે રનમાં આઉટ થઈ જતાં 1810ની સાલનો (215 વર્ષ જૂનો) વિશ્વવિક્રમ તૂટ્યો હતો. 1810માં ઇંગ્લૅન્ડ સામેની `ધ બીઝ’ નામની ટીમ માત્ર છ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને 2025 સુધી એ વિક્રમ અતૂટ રહ્યો હતો. 1877માં ક્રિકેટના કાયદા ઘડતી મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ની ટીમ સામે ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ ફક્ત 12 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એ ઇનિંગ્સમાં છ બૅટ્સમેનના ઝીરો હતા.
તાજેતરની (24મી મેની) ઘટનામાં પહેલાં તો નૉર્થ લંડન ક્રિકેટ ક્લબની ટીમને પ્રથમ બૅટિંગ મળી હતી અને 45 ઓવરમાં છ વિકેટે 426 રન કર્યા હતા. એમાં ડૅન સિમોન્સના 140 રન હાઇએસ્ટ હતા. રિચમંડ સીસીની ટીમ બે રનમાં આઉટ થઈ જતાં નૉર્થ લંડન ક્લબનો 424 રનથી વિજય થયો જે પણ એક રીતે વિક્રમ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા વિક્રમો છે?
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં જાણવા જેવા લોએસ્ટ સ્કોરના વિક્રમો રચાયા છેઃ ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી નીચો ટીમ-સ્કોર ન્યૂ ઝીલૅન્ડ (1955માં ઇંગ્લૅન્ડ સામે 26 રનમાં ઑલઆઉટ)ના નામે છે. વન-ડે ક્રિકેટમાં સૌથી નીચો ટીમ-સ્કોર ઝિમ્બાબ્વે (2024માં શ્રીલંકા સામે 35 રનમાં ઑલઆઉટ)ના નામે છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નીચો ટીમ-સ્કોર આઇવરી કોસ્ટ (2024માં નાઇજિરિયા સામે સાત રનમાં ઑલઆઉટ)ના નામે છે.
આ પણ વાંચો…હેડ-ક્લાસેને કાળો કેર વર્તાવ્યા પછી કોલકાતાએ ઘૂંટણિયા ટેકવ્યાં…