હાર્દિકને બદલે આ ખેલાડી બનશે T20I ટીમનો કેપ્ટન! ગંભીરનો મત નિર્ણાયક
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, હવે BCCI રોહિતનું સ્થાન લઇ શકે એવા સક્ષમ કેપ્ટનની શોધમાં છે. એવી ચર્ચા હતી કે હાર્દિક પંડ્યા(Hardik Pandya)ને T20I ફોર્મેટ માટે કાયમી કેપ્ટન બનાવવા આવી શકે છે, એવામાં એક અહેવાલ મુજબ હાર્દિકની કેપ્ટનશીપ હજુ સુધી કન્ફર્મ થઈ નથી. BCCI સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav)ના નામ પર પણ વિચાર કરી રહી છે.
હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હતો. સ્વાભાવિક રીતે જ પંડ્યા ટીમની બાગડોર સંભાળવા માટે સૌથી આગળ પડતું નામ છે, પરંતુ હાલમાં BCCI માટે નિર્ણય સરળ નથી.
એક અખબારી અહેવાલ મુજબ, બોર્ડ અને સિલેક્ટર્સ કમિટીના દરેક સભ્યના મત અલગ છે, જેનું મુખ્ય કારણ પંડ્યાના શંકાસ્પદ ફિટનેસ ધોરણો છે. ઓલરાઉન્ડર હાર્દિકે બેટ અથવા બોલ વડે મહત્વનું યોગદાન આપીને ભારતને T20 વર્લ્ડ કપ વિજેતા બનવવામાં મદદ કરી હતી. છતાં બોર્ડના અધિકારીઓ પંડ્યાને કાયમી T20I કેપ્ટન બનાવવા અંગે શંકાસ્પદ છે. તેની પાછળનું મુખ્ય કારણ તેની ફિટનેસ છે.
આઠ વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કારકિર્દીમાં પંડ્યાને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે, જેથી તેણે ટેસ્ટ ક્રિકેટ નહીં રમવાનું નક્કી કર્યું છે. વ્હાઈટ બોલ ક્રિકેટમાં પણ તેના વર્કલોડને ખૂબ જ કાળજીપૂર્વક મેનેજ કરવામાં આવે છે. ODI વર્લ્ડ કપ 2024માં બે લીગ મેચો પછી હાર્દિક ઈજાને કારણે ટુર્નામેન્ટ માંથી બહાર થઈ ગયો હતો. તેને સંપૂર્ણ ફિટનેસ મેળવવા અને મેચ માટે તૈયાર થવામાં લગભગ પાંચ મહિનાનો સમય લાગ્યો હતો.
BCCI નથી ઇચ્છતું કે ટીમના કેપ્ટનને અવારનવાર ટીમમાંથી બહાર રહેવું પડે અને મહત્વપૂર્ણ શ્રેણી ચૂકી જાય છે. એવામાં સૂર્યકુમાર યાદવનું નામ આગળ આવે છે. રોહિત અને કોહલીની નિવૃત્તિ પછી, એ વાતમાં કોઈ શંકા નથી કે તે T20I માં નંબર 1 બેટર છે. ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં પણ તેની કેપ્ટનશિપની ક્ષમતા સાબિત કરી હતી.
અહેવાલ મુજબ નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો મત અંતિમ નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરતી વખતે સૂર્યકુમાર સાથે કામ કર્યું છે.
બીસીસીઆઈ અને સિલેક્ટર્સ કમિટી પાસે તેમના નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવા માટે ઓછો સમય છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આ અઠવાડિયે ગંભીરને મળશે. શ્રીલંકામાં ODI અને T20I શ્રેણી માટે બે ટીમોની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
જ્યાં સુધી ODIની વાત છે, KL રાહુલ ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે કારણ કે પંડ્યાએ 50-ઓવરના ફોર્મેટમાંથી બ્રેક માંગ્યો છે.