74મી રૅન્કવાળાએ નંબર-થ્રી અલ્કારાઝની 15 મૅચની વિજયકૂચ રોકી
મેન્સ, વિમેન્સના વર્લ્ડ નંબર-વન પહોંચ્યા યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં, પણ ઓસાકા હારી ગઈ
ન્યૂ યૉર્ક: ટેનિસના એક સમયના વર્લ્ડ નંબર-વન ખેલાડી સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ અહીં ગુરુવારે યુએસ ઓપનની શરૂઆતમાં જ હારી જતાં ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સતત 15 મૅચ જીતવાની તેની વિજયકૂચ અટકી ગઈ હતી. બીજા રાઉન્ડમાં તેનો નેધરલૅન્ડ્સના બૉટિક વૅન ડિ ઝૅન્ડ્સ્કલ્પ સામે 1-6, 5-7, 4-6થી પરાજય થયો હતો. અલ્કારાઝ વર્લ્ડ નંબર-થ્રી છે, જ્યારે બૉટિકની વિશ્ર્વમાં છેક 74મી રૅન્ક છે.
એ સાથે, 2022ની યુએસ ઓપનનો વિજેતા અલ્કારાઝ સતત ત્રીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા માટે ફેવરિટ હોવા છતાં એનાથી વંચિત રહી ગયો છે.
અલ્કારાઝ છેલ્લી બે ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા જીતવાની સાથે ગ્રૅન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટોમાં લાગલગાટ 15 મૅચ જીત્યો હતો, પરંતુ બૉટિકે તેને હરાવીને કરીઅરમાં પહેલી વાર વર્લ્ડ નંબર-થ્રી જેટલી ઊંચી રૅન્કના ખેલાડીને હરાવવામાં સફળતા મેળવી છે.
અલ્કારાઝ 2021ની વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં હાર્યો હતો ત્યાર બાદ પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમના બીજા રાઉન્ડમાં હારી જતાં સ્પર્ધાની બહાર થયો છે. 2021ની વિમ્બલ્ડનમાં અલ્કારાઝ 75મા નંબરે હતો અને તેને ત્યારના વર્લ્ડ નંબર-ટૂ ડેનિલ મેડવેડેવે પરાજિત કર્યો હતો.
આ પણ વાંચો: ટેનિસની એક મૅચ 335 મિનિટ સુધી ચાલી, 32 વર્ષ જૂનો વિક્રમ તૂટ્યો!
વર્લ્ડ નંબર-વન યાનિક સિન્નર બીજા રાઉન્ડમાં ઍલેક્સ મિકેલસનને 6-4, 6-0, 6-2થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. મહિલાઓમાં ભૂતપૂર્વ યુએસ ઓપન વિજેતા નાઓમી ઓસાકા હારી જતાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. તેને કૅરોલિના મુહોવાએ 6-3, 7-5થી હરાવી હતી.
દરમ્યાન, વિશ્ર્વની નંબર-વન પ્લેયર અને 2022ની ચૅમ્પિયન ઇગા સ્વૉન્ટેક જાપાનની ઇના શિબાહરા સામે 72 મિનિટમાં 6-0, 6-1થી જીતીને થર્ડ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.