ભારત-પાક ક્રિકેટ મેચ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી; જાણો કોર્ટે શું કહ્યું

નવી દિલ્હી: ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોતા હોય છે, બંને કટ્ટર હરીફ ટીમો ICC ટુર્નામેન્ટ્સ અને એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં જ આમને સામને હોય છે. હાલ ચાલી રહેલા T20 એશિયા કપ 2025માં પણ બંને ટીમો વચ્ચે 14 સપ્ટેમબર રવિવારના રોજ મેચ (IND vs PAK Asia cup 2025) રમાશે. એ પહેલા આ મેચ રદ કરવાની માંગ સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલમાં આવી હતી.
નોંધનીય છે કે આ વર્ષે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં સીમા પારથી આવેલા આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમાએ પહોંચ્યો હતો. ભારતીયોમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છે. કેટલાક લોકો માંગ રહ્યા છે કે ભારત સરકાર પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખે અને રમતગમતમાં પણ પાકિસ્તાન સામે કોઈ મેચ રમવામાં ન આવે. LLBના 4 વિદ્યાર્થીઓ પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, અરજદારોએ આ મેચને રાષ્ટ્રીય ભાવનની મજાક ગણાવી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
પાકિસ્તાન સામેની મેચ રવિવારે યોજવાની છે, આથી આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટને મેચ રદ કરવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ કેસ જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે મેચ પર કોઈ રોક નહીં લગાવીએ, મેચ થવા દો. અરજદારના વકીલે મામલાની સુનાવણી કરવા કોર્ટને વિનંતી કરી, પરંતુ કોર્ટે તેને ધ્યાનમાં ન લીધી.
અરજદાર વિદ્યાર્થીઓએ દાખલ કરેલી અરજીમાં જણાવ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવીએ રાષ્ટ્રીય ગૌરવ અને જાહેર ભાવનાની વિરુદ્ધ છે. અરજીમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રનું ગૌરવ જાળવવું એ લોકોના મનોરંજન કરતાં વધુ જરૂરી બાબત છે.
આપણ વાંચો: સૂર્યકુમાર અને પાકિસ્તાની કેપ્ટન વચ્ચે માઈકની આપ-લે થઈ, પણ બંને હાથ મિલાવ્યા હતા?