આ ભૂલ પકિસ્તાન ક્રિકેટ બોર્ડને ₹141 કરોડમાં પડી શકે છે! જાણો શું છે મામલો

દુબઈ: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિવાદમાં ઘેરાઈ છે, મેચના અંતે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો અને મેચ પહેલા બંને ટીમના કેપ્ટને પણ હાથ મિલાવ્યા ન હતાં. અહેવાલ મુજબ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગાને સૂર્યકુમાર સાથે હાથ ન મિલાવવા સુચના આપી હતી. જેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એન્ડી પાયક્રોફ્ટે હટાવવા ICC માંગ કરી છે, નહીં તો એશિયા કપ 2025 માંથી ખસી જવાની ધમકી આપી છે.
ગઈ કાલે ICC એ PCBની માંગણીને ફગાવી દીધી હતી, આજે મળેલા એક અહેવાલ મુજબ વાટાઘાટો બાદ ICCએ નિર્ણય લીધો છે કે પાકિસ્તાનની મેચમાં એન્ડી પાયક્રોફ્ટે મેચ રેફરીની જવાબદારી સોંપવામાં નહીં આવે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો PCB એશિયા કપમાંથી ખસી જવાની ધમકીને અનુસરશે તો તેને કરોડો રૂપિયાનું નુકશાન થશે.
PCBએ ધમકી તો આપી દીધી છે પરંતુ તેનો અમલ કરે એવી શક્યતા ખુબ ઓછી કેમ કે એવો નિર્ણય PCBને પોષાય એમ નથી. જો પાકિસ્તાન એશિયા કપ ટુર્નામેન્ટમાંથી ખસી જાય છે, તો PCBને લગભગ ₹105 થી ₹141 કરોડ(12 થી 16 મિલિયન યુએસ ડોલર)નું સીધું નુકસાન થઇ શકે છે, પહેલાથી નબળી આર્થીક સ્થિતિમાંથી પસાર થઇ રહેલા PCBને આ નુકશાન પોષાય તેમ નથી.
PCBનું વાર્ષિક બજેટ આશરે 227 મિલિયન યુએસ ડોલર છે. જો પાકિસ્તાની ટીમ એશિયા કપમાંથી નીકળી જાય તો PCBને 16 મિલિયન યુએસ ડોલર એટલે તેના કુલ બજેટના 7 ટકા આવક જતી કરવી પડી શકે છે, જે તેને પરવડે તેમ નથી. આમ PCBએ આપેલી ધમકી પોકળ સાબિત થશે, એમાં કોઈ શંકા નથી.
અહેવાલ મુજબ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC)ની કુલ આવકનો 15-15 ટકા હિસ્સો મળે છે, એટલે કે ACCની કુલ આવકનો 75 ટકા હિસ્સો આ પાંચ દેશોને મળે છે.
PCBની વિશ્વનીયતા પણ દાવ પર:
2024 થી 2031 સુધી ACCની દરેક ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ માટે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) એ $170 મિલિયનનો કરાર કર્યો છે. ભારત-પાકિસ્તાન મેચ બ્રોડકાસ્ટર માટે કમાણીનું સૌથી મોટું માધ્યમ છે. જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી જાય છે, તો બ્રોડકાસ્ટરને પણ મોટું નુકશાન થઇ શકે છે. આ સાથે પાકિસ્તાનની વિશ્વનીયતા પર સવાલ ઉભા થઇ શકે છે.
આપણ વાંચો: અંતે ICCએ PCBની જીદ માનવી પડી! એશિયા કપ અંગે લીધો મોટો નિર્ણય