ભારત-પાક મેચ પર દેશભરમાં આક્રોશ: રાજકારણીઓ, ક્રિકેટર અને શહીદ પરિવારનો વિરોધ…
ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને સમગ્ર દેશમાં પૂર્વ ક્રિકેટર અને રાજકારણીઓમાં નારાજગી

નવી દિલ્હી/મુંબઈ/વડોદરાઃ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલટેજ ક્રિકેટ મેચ રમાવા જઈ રહ્યો છે. આ મેચ લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકીય પક્ષો, શહીદ પરિવારો સામાન્ય લોકો, સામાજિક સંગઠનોએ આ મેચ લઈ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
ત્યારે ઘણા લોકો આ મેચને લઈ સમર્થન પણ કરી રહ્યા છે. આ વિરોધનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચેનો તણાવપૂર્ણ સંબંધ અને ભૂતકાળના આતંકવાદી હુમલાઓ છે. સોશિયલ મીડિયા પર લોકો આ મેચના આયોજન સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓએ પણ આ વિરોધમાં જોડાઈને સરકાર પર દબાણ વધાર્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષનો વિરોધ
ગુજરાતમાં અમદાવાદથી લઈને બરોડામાં મેચ રમાડવા અંગે જોરદાર લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં વડોદરામાં લોકોએ પૂતળા પણ બાળ્યા હતા. ભારત-પાકિસ્તાન મેચના વિરોધમાં મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી શિંદે શિવસેનાના નેતા સંજય નિરૂપમે આકરા શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાને હંમેશા ભારત વિરોધી નીતિઓ અપનાવી છે અને આતંકવાદીઓને ટેકો આપીને ભારતના નિર્દોષ નાગરિકો પર હુમલા કરાવ્યા છે. નિરૂપમે ઉમેર્યું કે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના રમતગમત, સાંસ્કૃતિક કે રાજદ્વારી સંબંધો રાખવા જોઈએ નહીં અને આ જ વિચાર બાળાસાહેબ ઠાકરેનો પણ હતો.
આ પણ વાંચો…‘ઓપરેશન સિંદૂર નકામું ગયું?’ પહલગામ હુમલાના મૃતકોના પરિવારનો આક્રોશ
પૂર્વ ક્રિકેટરનો ગુસ્સો અને બહિષ્કાર
પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી અને પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પણ આ મેચનો વિરોધ કરતા એશિયા કપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
તેણે કહ્યું કે પુલવામા, પહેલગામ અને પઠાનકોટ જેવા આતંકવાદી હુમલાઓની યાદો ભારતીયો ભૂલી શકે નહીં. તિવારીએ ઉમેર્યું કે આ મેચ જોવી એટલે શહીદો અને આતંકવાદના ભોગ બનેલા લોકોના પરિવારોની લાગણીઓનું અપમાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લોકોનું જીવન કોઈ રમત નથી.
આતંકવાદના ભોગ બનેલા પરિવારોનો રોષ
પહલગામ આતંકવાદી હુમલામાં પોતાના પરિવારજનો ગુમાવનારા લોકોનો ગુસ્સો પણ આ મેચને લઈને ઊભરી આવ્યો છે. પુણેના સંતોષ જગદાલેની પુત્રી અસાવરી જગદાલેએ કહ્યું કે આ મેચનું આયોજન શરમજનક છે, ખાસ કરીને જ્યારે પહલગામ હુમલાને હજુ છ મહિના પણ થયા નથી.
ભાવનગરના સાવન પરમાર, જેમણે આ હુમલામાં પિતા અને ભાઈ ગુમાવ્યા, તેણે પણ આ મેચના આયોજનથી નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે આવા સમયે મેચનું આયોજન લોકોની લાગણીઓ સાથે ચેડાં કરે છે.
આ પણ વાંચો…IND vs PAK: ભારતીય ટીમ મેદાનમાં આ રીતે પાકિસ્તાન સામે વિરોધ નોંધાવશે!