માર્કરમે હૅરી બ્રૂકનો અદ્ભુત કૅચ પકડ્યો અને ઇંગ્લૅન્ડની હાર નિશ્ર્ચિત થઈ ગઈ!
ડિકૉકને આ વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીએ અપાવ્યો અવૉર્ડ
ગ્રોઝ આઇલેટ (સેન્ટ લ્યૂસિયા): ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ શુક્રવારે સતત બીજી મૅચ જીતીને સેમિ ફાઇનલની નજીક પહોંચવાની તૈયારીમાં જ હતું, પણ સાઉથ આફ્રિકાના કૅપ્ટન એઇડન માર્કરમે (Aiden Markram) બ્રિટિશ ટીમના મુખ્ય બૅટર હૅરી બ્રૂક (53 રન, 37 બૉલ, સાત ફોર)નો મૅચની છેલ્લી ઓવરમાં અદ્ભુત કૅચ પકડીને બાજી પલટી નાખી હતી અને સાઉથ આફ્રિકાએ આ ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવીને (અપરાજિત રહીને) સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ નક્કી કરી લીધું હતું.
માર્કરમે પોતાની ટીમની ઇનિંગ્સમાં એક જ રન બનાવ્યો હતો, પણ તેનો એક કૅચ જૉસ બટલરની ટીમને ભારે પડ્યો હતો.
સાઉથ આફ્રિકાએ બૅટિંગ મળ્યા પછી ક્વિન્ટન ડિકૉકના 65 રન તથા ડેવિડ મિલરના 43 રનની મદદથી છ વિકેટે 163 રન બનાવ્યા હતા. તેમણે પાવરપ્લેની છ ઓવરમાં 63 રન ઝૂડી કાઢ્યા હતા, પરંતુ પછીની 14 ઓવરમાં માત્ર 100 રન બનાવ્યા હતા. જોકે ડિકૉકની હાફ સેન્ચુરી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે બાવીસ બૉલમાં 50 રન બનાવીને આ વખતના વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરીના અમેરિકાના આરોન જોન્સના રેકૉર્ડની બરાબરી કરી હતી.
ડિકૉકને 58મા રને જીવતદાન મળ્યું હતું. આદિલ રાશિદના ગૂગલીમાં ડિકૉકે ઊંચા શૉટમાં બૉલ ડીપ બૅકવર્ડ સ્ક્વેર તરફ મોકલ્યો હતો. માર્ક વૂડ આગળ તરફ દોડી આવ્યો હતો અને બૉલ ઝીલી લીધો હતો. જોકે ટીવી અમ્પાયર પર નિર્ણય છોડાતાં તેમણે નિર્ણય આપ્યો હતો કે બૉલ વૂડની આંગળીઓમાંથી સરકીને જરાક ગ્રાઉન્ડને અડકી ગયો હતો.
આ પણ વાંચો: T20 World Cup: ભારત શનિવારે જીતીને સેમિ ફાઇનલની લગોલગ પહોંચી શકશે
બ્રિટિશ પેસ બોલર જોફરા આર્ચરના ત્રણ વિકેટના તરખાટ બાદ ઇંગ્લૅન્ડે 164 રનના લક્ષ્યાંક મેળવવા જતાં સાધારણ શરૂઆત કરી હતી અને ખુદ બટલર (17 રન) તેમ જ ઓપનર ફિલ સૉલ્ટ (11 રન) તથા જૉની બેરસ્ટો (16 રન) સહિતનો ટૉપ-ઑર્ડર નિષ્ફળ જતાં બધો ભાર હૅરી બ્રૂક પર આવી ગયો હતો. તેની અને લિઆમ લિવિંગ્સ્ટન (33 રન, 17 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 78 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.
જોકે 18મી ઓવરમાં લિવિંગસ્ટનને કૅગિસો રબાડાએ સ્ટબ્સના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ સાથે ઇંગ્લૅન્ડની નૌકા ફરી હાલકડોલક થઈ હતી. જોકે બ્રૂકે વિજય તરફની સફર જાળવી રાખી હતી.
જોકે 20મી દિલધડક ઓવર કે જેની જવાબદારી ઍન્રિક નોર્કિયાને અપાઈ હતી તેણે પહેલા જ બૉલમાં બ્રૂકનો શિકાર કરી લીધો હતો. ઓવરની શરૂઆત વખતે ઇંગ્લૅન્ડ જીતવા છ બૉલમાં 14 રન બનાવવાના હતા જે થોડું મુશ્કેલ કામ હતું, પરંતુ બ્રૂક જે ફૉર્મમાં રમી રહ્યો હતો એ જોતાં ઇંગ્લૅન્ડની જીત શક્ય જણાતી હતી.
બ્રૂકે પહેલા જ બૉલમાં છગ્ગો-ચોક્કો ફટકારવાના ઇરાદાથી ઊંચો શૉટ માર્યો હતો. કૅપ્ટન માર્કરમ મિડ-ઑનના સ્થાન પરથી પાછળ તરફ દોડ્યો અને જબરદસ્ત જજમેન્ટથી કૅચ ઝીલી લીધો હતો. વર્લ્ડ કપમાં જ્યાં ઘણી મૅચોમાં સીધા કૅચ છૂટ્યા છે ત્યાં માર્કરમે અત્યંત મુશ્કેલ કહેવાય એવો કૅચ પકડીને બ્રૂકને પૅવિલિયન ભેગો કરીને પોતાની ટીમની જીત નિશ્ર્ચિત કરી હતી.
બ્રૂકની વિદાય બાદ સૅમ કરૅન સાથે જોફરા આર્ચર જોડાયો હતો. જોકે સૅમની એકમાત્ર ફોર સહિત છેલ્લા પાંચ બૉલમાં ફક્ત છ રન બની શક્યા હતા અને સાઉથ આફ્રિકાએ સાત રનથી વિજય મેળવ્યો હતો. ટૂંકમાં, નોર્કિયાએ 20મી ઓવરમાં 13 રન ડિફેન્ડ કર્યા હતા.
રબાડા અને કેશવ મહારાજે બે-બે વિકેટ તથા બાર્ટમૅન અને નોર્કિયાએ એક-એક વિકેટ લીધી હતી.
ડિકૉકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.