T20 World Cup: વર્લ્ડ કપમાં ભારતનો રોહિત સૌથી જૂનો પ્લેયર, નેપાળનો રોહિત સૌથી યુવાન કૅપ્ટન
હિટમૅનની જેમ બાંગ્લાદેશનો શાકિબ પણ 2007ના પ્રથમ વિશ્ર્વ કપમાં રમ્યો હતો
ન્યૂ યૉર્ક/પ્રૉવિડન્સ: આ વખતના ટી-૨૦ વર્લ્ડ કપમાં નેપાળનો ગુલશન ઝા (૧૮ વર્ષ, ૧૦૭ દિવસ) સૌથી યુવાન અને યુગાન્ડાનો ફ્રૅન્ક સુબુગા (૪૩ વર્ષ, ૨૫૪ દિવસ) સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. જોકે આ ટૂર્નામેન્ટના સૌથી વધુ અનુભવી કહી શકાય એવા બે ખેલાડી છે.
ભારતનો રોહિત શર્મા (Rohit Sharma) ૨૦૦૭ના સૌપ્રથમ વર્લ્ડ કપમાં એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં પ્લેયર તરીકે રમ્યો હતો અને હાલમાં તે ખુદ સુકાની છે. નેપાળના સુકાનીનું નામ પણ રોહિત છે. રોહિત પૉડેલ (૨૧ વર્ષ, ૨૭૬ દિવસ) ટી-૨૦ વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી યુવાન કૅપ્ટન છે.
આ પણ વાંચો: T20 World Cup: વર્લ્ડ કપમાં 43 વર્ષના ‘ઘરડા’ ક્રિકેટરનો બોલિંગમાં તરખાટ: કંજૂસીમાં બુમરાહથી પણ આગળ
રોહિત પૉડેલના સુકાનમાં ચોથી જૂને નેપાળની ટીમ નેધરલૅન્ડ્સ સામે છ વિકેટે હારી ગઈ હતી. પૉડેલે એ મૅચમાં ૩૭ બૉલમાં ૩૫ રન બનાવ્યા હતા.
નવાઈ પમાડે એવી એક વાત એ છે કે રોહિત શર્માની જેમ બાંગ્લાદેશનો ઑલરાઉન્ડર શાકિબ અલ હસન પણ ટી-૨૦ વર્લ્ડ કપનો સૌથી જૂનો ખેલાડી છે. ૨૦૦૭ના પ્રથમ વિશ્ર્વ કપમાં પણ તે રમ્યો હતો.
રોહિત શર્મા ૩૭ વર્ષનો અને શાકિબ પણ ૩૭ વર્ષનો છે. શાકિબે ઇન્ટરનૅશનલ કરીઅર ઑગસ્ટ, ૨૦૦૬માં શરૂ કરી હતી, જ્યારે રોહિત શર્મા જૂન, ૨૦૦૭માં પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો.