T20 World Cup: વર્લ્ડ કપમાં પાકિસ્તાન કે શ્રીલંકા નહીં, આ છે એશિયાની બીજી બેસ્ટ ટીમ
ન્યૂ યૉર્ક: ભારત ઘણા સમયથી એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે. ટીમ ઇન્ડિયા વન-ડે અને ટી-20 બન્ને ફૉર્મેટમાં નંબર-વન છે. જોકે થોડા વર્ષોથી પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગલાદેશનો પર્ફોર્મન્સ ઘણો નબળો પડી ગયો છે. જોકે એક દશકાથી એક ટીમ સતતપણે પર્ફોર્મન્સ સુધારતી આવી છે.
આ ટીમ ટી-20માં ટોચની ટીમોને ટક્કર આપી રહી છે. ટી-20 વર્લ્ડ કપ પર પણ નજર કરીએ તો ભારત પછી બીજા નંબર પર પાકિસ્તાન કે શ્રીલંકા નહીં, પણ અફઘાનિસ્તાન (Afghanistan) છે જે સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચવાની તૈયારીમાં જ છે.
ટી-20 વિશ્ર્વ કપમાં એશિયાની કુલ સાત ટીમ ભાગ લઈ રહી છે. એમાં એકમાત્ર ભારત જ સુપર-એઇટ માટે ક્વૉલિફાય થયું છે. અફઘાનિસ્તાન આ વર્લ્ડ કપમાં એશિયાની બીજી બેસ્ટ ટીમ છે. ઓમાનની ટીમ પહેલા જ બહાર થઈ ગઈ છે. શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળ બહાર થવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: T20 World Cup: અમેરિકા ‘સ્ટૉપ ક્લૉક પેનલ્ટી’ રનના નવા નિયમની બૅડ-બુકમાં આવનારો પ્રથમ દેશ
બીજી તરફ, ગ્રૂપ ‘સી’માં અફઘાનિસ્તાન લાજવાબ પર્ફોર્મ કરી રહી છે. રાશિદ ખાનના સુકાનમાં આ ટીમ બન્ને લીગ મૅચ જીતી ચૂકી છે. એની ત્રીજી મૅચ ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 6.00 વાગ્યાથી પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) સામે રમાશે. એને હરાવીને અફઘાનિસ્તાન સુપર-એઇટમાં પહોંચી જશે.
અફઘાનિસ્તાનવાળા ગ્રૂપ ‘સી’માં વેસ્ટ ઇન્ડિઝ નંબર-વન ટીમ છે અને સુપર-એઇટમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાને યુગાન્ડાને 125 રનથી અને ન્યૂ ઝીલૅન્ડને 84 રનથી હરાવ્યું હતું જેને કારણે અફઘાનિસ્તાનનો નેટ રનરેટ +5.225 છે.
ખરેખર તો આ વર્લ્ડ કપની તમામ ટીમોમાં માત્ર બે મૅચ રમેલી અફઘાનિસ્તાનની ટીમનો +5.225નો રનરેટ સૌથી ઊંચો છે.
અફઘાનિસ્તાન બાકીની બન્ને મૅચ હારી જશે તો પણ સુપર-એઇટ માટેની તક એને મળશે, કારણકે યુગાન્ડાના માત્ર બે પૉઇન્ટ છે, જ્યારે ન્યૂ ઝીલૅન્ડ અને પીએનજીએ હજી ખાતુ જ નથી ખોલાવ્યું.
અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વર્લ્ડ કપમાં નૉકઆઉટ રાઉન્ડ સુધી નથી નહોંચી શક્યું, પરંતુ આ વખતે આ ટીમનો લય જોતાં એવું કહી શકાય કે જો આ ટીમ ફાઇનલમાં પણ પહોંચશે કે ટ્રોફી જીતશે તો નવાઈ નહીં લાગે. આ ટીમના ઘણા ખેલાડીઓને છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ભારતની આઇપીએલથી (પર્ફોર્મન્સની દૃષ્ટિએ) ઘણો ફાયદો થયો છે.