T20 World Cup: અરે…! ભારત-પાકિસ્તાન મૅચવાળા સ્ટેડિયમના સ્ટૅન્ડ કેમ તોડવામાં આવી રહ્યા છે?
ન્યૂ યૉર્ક: અમેરિકામાં ક્રિકેટના ક્રેઝની હજી તો શરૂઆત થઈ છે એટલે હવે પછી (ટી-20 વર્લ્ડ કપ બાદ) ક્રિકેટની મોટી ટૂર્નામેન્ટ કે સિરીઝ ક્યારે રમાશે એ નક્કી નથી એટલે રમતગમતના સત્તાધીશોએ દેશમાં પ્રચલિત બેઝબૉલ, ગૉલ્ફ, અમેરિકન ફૂટબૉલ, બાસ્કેટબૉલ વગેરે રમતોના સ્ટેડિયમો તૈયાર કરવા પર પણ ધ્યાન આપવું પડે. એ જ હેતુસર ન્યૂ યૉર્ક (New York)માં આઇઝનહોવર વિસ્તારમાં બનેલા નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ (Nassau Stadium)માં પ્રેક્ષકો માટેના જે સ્ટૅન્ડ છે એ હવે તોડવાની (થાંભલામાંથી અલગ પાડવાની) શરૂઆત કરી દેવામાં આવી છે.
ન્યૂ યૉર્કના આ જ સ્ટેડિયમના મેદાન પર રવિવાર, નવમી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વૉલ્ટેજ મૅચ રમાઈ હતી જે ભારતે છ રનથી જીતી લીધી હતી. બુધવાર, 12મી જૂને આ જ મેદાન પર ભારત અને અમેરિકા વચ્ચેની મૅચ પણ રમાઈ હતી જે આ મેદાન પરની છેલ્લી મૅચ હતી. ભારતે એ મૅચ ભારતે સાત વિકેટે જીતી લીધી હતી.
અહીં ખાસ જણાવવાનું કે નાસાઉ કાઉન્ટી મેદાન પરના સ્ટૅન્ડ કામચલાઉ ધોરણે બનાવવામાં આવ્યા હતા. હવે એ સ્ટૅન્ડ લાસ વેગસમાં તેમ જ અન્યત્ર કોઈ સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. આ સ્ટૅન્ડનો ઉપયોગ બેઝ બૉલ, ગૉલ્ફ વગેરે રમતોની ટૂર્નામેન્ટ માટેના સ્ટેડિયમમાં ફિટ કરવામાં આવશે. માત્ર સ્ટેડિયમના અમુક માળખા અને પિચ રાખી મૂકવામાં આવશે.
આ સ્ટેડિયમ ભારત-પાકિસ્તાન મૅચ વખતે ફુલ-પૅક્ડ હતું. 34,000થી વધુ પ્રેક્ષકોએ એ મૅચ માણી હતી. સ્ટેડિયમ હાઉસફૂલ હતું અને ટિકિટનો ભાવ 2,500 ડૉલર (અંદાજે 2.10 લાખ રૂપિયા)થી 10,000 ડૉલર (8.35 લાખ રૂપિયા) સુધીનો હતો.
નાસાઉ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મૅચો રાખવા વિશેનો નિર્ણય મોડો લેવાયો હોવાથી માત્ર 100 દિવસમાં સ્ટેડિયમ તૈયાર કરવું પડ્યું હતું. આ મેદાન પરની ડ્રૉપ-ઇન પિચ ઑસ્ટ્રેલિયાના ઍડિલેઇડ શહેરથી લાવવામાં આવી હતી. હવે આ સ્ટેડિયમના સ્ટૅન્ડ છ અઠવાડિયામાં થાંભલા વગેરેથી અલગ પાડીને બીજે લઈ જવામાં આવશે.
અમેરિકામાં હવે માત્ર ફ્લોરિડાના લૉઉડરહિલમાં વર્લ્ડ કપની મૅચો રમાશે. એ મૅચો અમેરિકા-આયરલૅન્ડ (14મી જૂને), ભારત-કૅનેડા (15મી જૂને) અને આયરલૅન્ડ-પાકિસ્તાન (16મી જૂને) વચ્ચે રમાશે. એ સિવાય, 29મી જૂનની ફાઇનલ સહિતની બાકીની બધી મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.
Also Read –