T20 World Cup: ભારત આજે આયરલૅન્ડ સામે જીતવા ફેવરિટ, પણ ટીમ ઇન્ડિયાએ શું ટાળવું પડશે?
ટીમ ઇન્ડિયાએ આયરિશોને સાતેય મુકાબલામાં હરાવ્યા છે: ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યે મુકાબલો શરૂ
ન્યૂ યૉર્ક: ભારત અને આયરલૅન્ડ વચ્ચે આવતી આજે ન્યૂ યૉર્કમાં ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) રસાકસીભર્યો બની શકે એમ છે, પરંતુ વન-સાઇડેડ તો નહીં જ બને. કારણ એ છે કે ભારતીય ટીમમાં સુપરસ્ટાર ખેલાડીઓનો સમાવેશ છે તો આયરલૅન્ડની ટીમમાં એવા જાણીતા સ્ટાર પ્લેયર્સ છે જેઓ મૅચ-વિનર બની શકે એમ છે. ભારત આ મૅચ જીતવા ફેવરિટ છે, પરંતુ વધુ પડતો આત્મવિશ્ર્વાસ ભારતીય ટીમને પરાજય તરફ દોરી શકે. બીજું, ટી-20 ફૉર્મેટમાં ભારતે આયરલૅન્ડ સામે તમામ સાત મૅચ જીતી છે એટલે એનો અર્થ એવો નથી કે જીત-હારનો રેશિયો 7-0થી વધીને 8-0 થઈ શકે, કારણકે આયરિશ ટીમ અપસેટ સર્જવા માટે જાણીતી છે.
એ જોતાં, ટીમ ઇન્ડિયાએ આ મૅચમાં પૉલ સ્ટર્લિંગની ટીમના દરેક પ્લેયરને સિરિયસલી લેવો પડશે.
2009થી 2023 દરમ્યાન આયરલૅન્ડ સામે રમાયેલી સાતેય ટી-20 મૅચ ભારતે જીતી લીધી છે. 2009ની મૅચ ટી-20 વર્લ્ડ કપમાં રમાઈ હતી જે ભારતે ઝહીર ખાનની ચાર વિકેટ અને પ્રજ્ઞાન ઓઝાની બે વિકેટની મદદથી તેમ જ રોહિત શર્માના અણનમ બાવન રન અને ગૌતમ ગંભીરના 37 રનની મદદથી જીતી લીધી હતી. એ પહેલાં, ભારતે ડબ્લિનમાં રમાયેલી તમામ છ મૅચમાં પણ વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: T20 World Cup: દ્રવિડ આઇસીસી પર ભડક્યો, ‘અમારી ટીમે કેમ પબ્લિક પાર્કમાં પ્રૅક્ટિસ કરવી પડી?
બન્ને દેશની ટીમ:
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, સંજુ સૅમસન (વિકેટકીપર) અને યુઝવેન્દ્ર ચહલ.
આયરલૅન્ડ: પૉલ સ્ટર્લિંગ (કૅપ્ટન), નીલ રૉક (વિકેટકીપર), માર્ક ઍડેર, રૉસ ઍડેર, ઍન્ડી બાલબર્ની, કર્ટિસ કૅમ્ફર, ગરેથ ડેલની, જ્યોર્જ ડૉકરેલ, ગ્રેહામ હ્યુમ, જૉશ લિટલ, બૅરી મૅકકાર્થી, હૅરી ટેકર, લૉર્કેન ટકર (વિકેટકીપર), ક્રેગ યંગ અને બેન વ્હાઇટ.