T20 World Cup 2024સ્પોર્ટસ

અફઘાનિસ્તાનના ખેલાડીએ ઈજાનું નાટક કરેલું? કોચ જોનથન ટ્રૉટના કયા ઇશારાએ જગાવ્યો વિવાદ?

અશ્વિન, માઇકલ વૉન, ઇયાન સ્મિથની ટકોરે સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી

કિંગ્સટાઉન: અફઘાનિસ્તાને મંગળવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની ‘ડુ ઑર ડાય’ બનેલી મૅચના થ્રિલરમાં બંગલાદેશને ડકવર્થ/લુઇસ મેથડને આધારે આઠ રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો એ બદલ રાશિદ ખાન અને તેની ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે. જોકે મૅચમાં કટોકટીના સમયે તેન્ઝિમ સાકિબ (ત્રણ રન)ની વિકેટ લેનાર ગુલબદીન નઇબે (Gulbadin Naib) ટીમના હેડ-કોચ જોનથન ટ્રૉટ (Jonathan Trott)ના મેદાનની બહારથી થયેલા ઇશારા બાદ ઈજાનું નાટક કર્યું હતું કે શું એની ચર્ચા થઈ રહી છે.

નઇબ સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહ્યો હતો. 12મી ઓવર સ્પિનર નૂર અહમદે કરી હતી. બંગલાદેશને 116 રનના મૂળભૂત લક્ષ્યાંકને બદલે વરસાદ અને ખરાબ હવામાનને પગલે 19 ઓવરમાં 114 રન બનાવવાનો નવો ટાર્ગેટ અપાયો હતો. 12મી ઓવર વખતે બંગલાદેશની ટીમ ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ઍટ પાર સ્કોરમાં અફઘાનિસ્તાનથી પાછળ હતી.

એ વખતે અફઘાનિસ્તાનની ટીમ બે રનથી આગળ હતી અને જો મૅચ ત્યાં જ અટકી ગઈ હોત તો અફઘાનિસ્તાનનો ત્યાં જ વિજય થઈ ગયો હોત. જોકે અફઘાનિસ્તાનની ટીમ ઍટ પાર સ્કોરમાં આગળ હતી ત્યારે અફઘાન ટીમના હેડ-કોચ અને ભૂતપૂર્વ બ્રિટિશ ઓપનર જોનથન ટ્રૉટે અફઘાનના ખેલાડીઓને હાથના ઇશારાથી ‘ધીમા પડો’ એવો સંકેત વારંવાર આપ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup: અક્ષર પટેલે અદ્ભુત મૅચ-વિનિંગ કૅચ વિશે શું કહ્યું? તેના જ શબ્દોમાં જાણીએ…

ટ્રૉટના એ સંકેત બાદ થોડી જ વારમાં સ્લિપમાં ઊભેલા નઇબ પોતાના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હોવાની ઍક્શન સાથે નીચે પટકાયો હતો. વધુ સમય પસાર થતાં બંગલાદેશની ટીમ ખરાબ હવામાન વચ્ચે વધુ મુશ્કેલીમાં આવી શકે એમ હતું. વરસાદના છાંટા ફરી પડવા લાગ્યા અને નઇબ સાથીની મદદથી મેદાનની બહાર ગયો હતો અને અમ્પાયરે પિચ માટેના કવર મગાવ્યા હતા. જોકે પાંચ જ મિનિટમાં રમત ફરી શરૂ થઈ હતી.

એ તબક્કે નઇમની ઈજાના મુદ્દે કૉમેન્ટેટર સાઇમન ડુલ તથા પૉમી બાંગ્વાએ તેમ જ ભારતીય ખેલાડી રવિચન્દ્રન અશ્ર્વિન તથા ભૂતપૂર્વ બ્રિટિશ કૅપ્ટન માઇકલ વૉને સીધી યા આડકતરી રીતે એવો મંતવ્ય વ્યક્ત કર્યો હતો કે ગુલબદીન નઇબે ટાઇમપાસ માટે ઈજાનું બહાનું કાઢ્યું હતું, કારણકે ત્યારે અફઘાનિસ્તાનની ટીમ ઍટ પાર સ્કોરમાં આગળ હતી.
ઝિમ્બાબ્વેના પૉમી બાંગ્વાએ તો ‘ઑસ્કર, એમ્મી’ એવા શબ્દો બોલીને સંકેત આપ્યો હતો કે નઇબને ઈજાની આ ઍક્શન બદલ ઑસ્કર કે એમ્મી અવૉર્ડ મળવા જોઈએ.

ખુદ નઇબે પછીથી એક્સ (ટ્વિટર) પર લાફિંગ ઇમોજિસ સાથે લખ્યું, ‘કભી ખુશી કભી ગમ મેં હોતા હૈ.’
આર. અશ્ર્વિને ‘ગુલબદીન નઇબ માટે રેડ કાર્ડ’ એવી કમેન્ટ એક્સ પર લખી એના જવાબમાં નઇબે આવું જણાવ્યું હતું.
વરસાદના ટૂંકા વિઘ્ન બાદ રમત ફરી શરૂ થઈ ત્યારે (13મી ઓવરમાં) નઇબ પાછો મેદાન પર આવી ગયો હતો, હાથ ઊંચા કરીને પોતે હવે ફરી રમવા બિલકુલ તૈયાર છે એવો સંકેત આપ્યો હતો અને 15મી ઓવરમાં તેન્ઝિમ સાકિબની વિકેટ લીધી હતી.

કૅપ્ટન રાશિદ ખાને મૅચ પછી નઇબની ઈજા બાબતમાં પૂછાતાં કહ્યું, ‘હા, નઇબના સ્નાયુ ખેંચાઈ ગયા હતા. તેને થોડી તકલીફ તો હતી જ. તેને શું થયું એ તો મને ખબર નથી અને સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે એની પણ મને કંઈ જાણ નથી. જોકે મારા માટે એ મહત્ત્વનું છે જ નહીં. તેને નજીવી ઈજા હતી અને તેને લગતી ઘટનાથી અમારી ગેમ પર કોઈ અસર પડી હતી એવું પણ નથી. અમે જીતી જ રહ્યા હતા.’

માઇકલ વૉને ગુલબદીન નઇબના સંભવિત નાટકને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયામાં લખ્યું, ‘ક્રિકેટની ભાવના બરાબર કામ કરી રહી છે. ગુલબદીન નઇબ ક્રિકેટના ઇતિહાસનો એવો પહેલો ક્રિકેટર છે જેને ઈજા પામ્યા બાદ માત્ર પચીસ જ મિનિટમાં વિકેટ મળી!’

ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર ઇયાન સ્મિથે નઇબવાળી ઘટનાની હાંસી ઉડાવતા લખ્યું, ‘મારું ઘૂંટણ છ મહિનાથી દુખે છે. હું તો આ મૅચ પછી સીધો ગુલબદીન નઇબના ડૉક્ટર પાસે જ પહોંચી જવાનો છું. મારી દૃષ્ટિએ અત્યારે તેઓ દુનિયાની આઠમી અજાયબી છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?