સૂર્યકુમાર આઇસીસીની ટીમનો કૅપ્ટન: કચ્છી પ્લેયર રામજિયાણી પણ ટીમમાં

દુબઈ: સૂર્યકુમાર યાદવ 14 ડિસેમ્બર પછી ટીમ ઇન્ડિયાથી દૂર છે એમ છતાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે. જર્મનીમાં તેણે થોડા જ દિવસ પહેલાં સાથળમાં સર્જરી કરાવી એટલે આઠ-નવ અઠવાડિયા તો નહીં જ રમી શકે એટલે તેની કરીઅરનો નિરાશાજનક તબક્કો જરૂર ચાલી રહ્યો છે, પરંતુ અહીં હેડ ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)માંથી આવેલા એક અહેવાલે તેને અને તેના ચાહકોને જરૂર ખુશખુશાલ કરી દીધા હશે.
વાચ એવી છે કે આઇસીસીએ તેને ‘ટીમ ઑફ ધ યર-2023’ના કૅપ્ટન તરીકે ઘોષિત કર્યો છે.
તેના માટે 2023નું વર્ષ બહુ જ સારું હતું એટલે એ મહેનતના ફળ તેને હવે ચાખવા મળ્યા. 2023માં મુખ્ય દેશોના બૅટર્સમાં સૂર્યકુમારના 17 ઇનિંગ્સમાં બનેલા 733 રન હાઇએસ્ટ હતા. આ ટૉપ-રૅન્કના બૅટરે બૅટિંગમાં તો અવ્વલ સ્થાન મેળવ્યું જ હતું, તેણે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતની ટી-20 ટીમનું સુકાન પણ સંભાળ્યું હતું.
આઇસીસીની ટીમ ઑફ ધ યર-2023માં ભારતીયોમાં સૂર્યા ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને રવિ બિશ્ર્નોઈ અને અર્શદીપ સિંહ પણ છે. યુગાન્ડાનો કચ્છી ક્રિકેટર અલ્પેશ રામજિયાણીને પણ આઇસીસીએ 2023ની સાલના પર્ફોર્મન્સ બદલ આ ટીમમાં સમાવ્યો છે. તેણે એ વર્ષમાં 20 ઇનિંગ્સમાં 449 રન બનાવ્યા હતા.
આઇસીસી મેન્સ ટી-20 ટીમ ઑફ ધ યર-2023:
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, ફિલ સૉલ્ટ, નિકોલસ પૂરન, માર્ક ચૅપમૅન, સિકંદર રઝા, અલ્પેશ રામજિયાણી, માર્ક ઍડેર, રવિ બિશ્ર્નોઈ, રિચર્ડ ઍન્ગારવા અને અર્શદીપ સિંહ.