સૂર્યકુમાર અને હાર્દિક અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝની ટીમમાં નહીં હોય
થોડા દિવસમાં મહિનાઓ સુધી ટી-20 મૅચોનો જલસો શરૂ થશે, પરંતુ એ પહેલાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હાલમાં ઈજાગ્રસ્ત હોવાથી એ ટી-20 રમતોત્સવ પહેલાંની મૅચ-પ્રૅક્ટિસ નહીં કરી શકે એનો તેમને અફસોસ જરૂર થતો હશે.
માર્ચ-મે દરમ્યાન આઇપીએલ રમાશે ત્યાર પછી જૂનમાં ટી-20નો વર્લ્ડ કપ રમાશે અને આપણે ટી-20 ફૉર્મેટના એ જલસાની વાત કરી રહ્યા છીએ. વાત એમ છે કે એ રમતોત્સવ પહેલાં અફઘાનિસ્તાન સામે જે ટી-20 સિરીઝ રમાશે એમાં સૂર્યકુમાર અને હાર્દિક નહીં રમી શકે, કારણકે બન્નેને મોટી ઈજા હોવાથી કદાચ આઇપીએલથી જ પાછા મેદાન પર ઊતરશે.
11 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ત્રણ મૅચની ટી-20 સિરીઝ શરૂ થશે જે માટેની ટીમમાં સૂર્યકુમાર અને હાર્દિક નહીં હોય. ઋતુરાજ ગાયકવાડને આંગળીમાં ઈજા છે એટલે તે તો ઇંગ્લૅન્ડ સામે પચીસમી જાન્યુઆરીએ શરૂ થનારી સિરીઝની શરૂઆતની અમુક મૅચો પણ નહીં રમી શકે.