તો આ છે હાર્દિકના ગુજરાત ટાઇટન્સ છોડવા પાછળની ઇનસાઇડ સ્ટોરી…
આખરે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો સાથ છોડીને મુંબઇ ઇન્ડિયન્સ સાથે નવી શરૂઆત કરી દીધી છે. એટલે હવે IPLમાં હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતો જોવા મળશે. જો કે હાર્દિક પંડ્યાને શા માટે આ પગલું ભરવું પડ્યુ તેનો કેટલાક મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે.
2022માં આઇપીએલના મેદાનમાં પહેલી જ વાર ગુજરાત ટાઇટન્સ મેદાનમાં ઉતર્યું હતું, અને ઉતરવાની સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલની તે વર્ષની સીઝનમાં ચેમ્પિયન બન્યું હતું. આ પાછળનો શ્રેય પણ હાર્દિક પંડ્યાને જ જાય છે. પછીના વર્ષે એટલે કે 2023માં પણ તે GT સાથે જોડાયેલો રહ્યો હતો.
ત્યારે સ્વાભાવિક છે કે સૌકોઇ એવું જાણવા માગે છે કે આખરે અચાનક હાર્દિકે શા માટે આ નિર્ણય લીધો, હાર્દિક તથા મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા તો આ અંગેનું કારણ ક્યારેય જાણવા નહિ મળે, પરંતુ કેટલાક અહેવાલો તથા ગુજરાત ટાઇટન્સ સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા ઘણી વિગતો બહાર આવી છે જેમાં હાર્દિક અને ગુજરાત ટાઇટન્સના મેનેજમેન્ટ વચ્ચેના અણબનાવની ઘટનાઓનો ઉલ્લેખ થયો છે.
કહેવાય છે કે આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જ હાર્દિક માટે મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાવાનો નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ પેદા થઇ હતી. હાર્દિકને તેની સેલેરીમાં વધારો જોઇતો હતો. તેમજ એડ રેવન્યુમાં પણ પોતાનો ભાગ વધે તેવી તેની ઇચ્છા હતી. જો કે ગુજરાત ટાઇટન્સે આ માટે હાર્દિકને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. તે પછી હાર્દિકે મુંબઇ ઇન્ડિયન્સનો સંપર્ક કર્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ હાર્દિકને પૈસા અને પાવર બંને આપવા સંમત થયા એટલે કે નાણાકીય માગણીઓ તથા કેપ્ટનશીપ બંને હાર્દિકને મળી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્મા આઇપીએલ 2024માં કદાચ છેલ્લીવાર જોવા મળશે, રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વાર આઇપીએલ જીત્યું છે, પરંતુ રોહિત હવે મુંબઇ ઇન્ડિયન્સ માટે ભવ્ય ભૂતકાળ સમાન છે, જ્યારે હાર્દિક પંડ્યામાં મેનેજમેન્ટને ટીમનું ભવિષ્ય દેખાઇ રહ્યું છે.
મુંબઇ ઇન્ડિયન્સ જેવી ટીમમાં કેપ્ટન્સી મળવાને પગલે હાર્દિકને તેની ક્રિકેટની કારકિર્દીમાં વ્યક્તિગતપણે મોટો ફાયદો થયો છે. એક રીતે આ હાર્દિક પંડ્યાની ઘરવાપસી છે કારણકે વર્ષ 2015માં હાર્દિકે મુંબઇ ઇન્ડિયન્સમાં રમીને જ પોતાની IPLની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો બીજી બાજુ ગુજરાત ટાઇટન્સે પણ હાર્દિકની જગ્યાએ શુભમન ગીલને કેપ્ટન બનવાની તક આપી દીધી છે. ત્યારે હવે આ બંને ટીમમાંથી આઇપીએલના મેદાન પર કોણ તરખાટ મચાવશે તે જોવું રહ્યું.