સ્મૃતિ મંધાનાના બૉયફ્રેન્ડે તાજેતરમાં ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો હતો!
બેન્ગલૂરુ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન અને જગવિખ્યાત ઓપનિંગ બૅટર તેમ જ 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાના ચાર-પાંચ દિવસથી સાઉથ આફ્રિકા સામેની ઉપરાઉપરી બે સેન્ચુરી (117 અને 136 રન) ફટકારવા બદલ ન્યૂઝમાં ચમકી રહી છે ત્યારે બીજી બાજુ તેના ચાહકોએ તેના બૉયફ્રેન્ડ પલાશ મૂછ્છળને સાંકળીને ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. એક અહેવાલ મુજબ પલાશે એક કાર્યક્રમમાં સ્મૃતિ સાથેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
27 વર્ષની સ્મૃતિ લેફ્ટ-હૅન્ડ બૅટર છે અને ક્યારેક પેસ બોલિંગ પણ કરે છે. તેણે છ ટેસ્ટમાં એક સદી સહિત 480 રન, 84 વન-ડેમાં સાત સદી સહિત 3,495 રન અને 133 ટી-20 ઇન્ટરનૅશનલમાં 3,220 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: All Sports News : સ્મૃતિ મંધાનાની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મિતાલી રાજ જેવી મોટી સિદ્ધિ: ભારતના આઠ વિકેટે 265 રન
છેલ્લાં થોડા મહિના દરમ્યાન સ્મૃતિ અને પલાશની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. પલાશ મધ્ય પ્રદેશના ઇન્દોરનો છે. તે બૉલીવૂડ ફિલ્મો અને જાહેરખબરો માટેનો સિંગર છે.
જુલાઈમાં સ્મૃતિ 28 વર્ષની થશે. 27મા જન્મદિન વખતે પલાશ તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા ઢાકા ગયો હતો.
પલાશે તાજેતરમાં એક લાઇવ કૉન્સર્ટમાં મંચ પર સ્મૃતિ સાથેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પલાશે એક રીતે સ્મૃતિની પ્રપોઝલને એક રીતે સ્વીકારતા કહ્યું હતું, ‘આઇ લવ યુ ટૂ સ્મૃતિ.’
સ્મૃતિએ પણ પલાશને જન્મદિન બદલ શુભેચ્છા આપી ત્યારે પણ ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ હતી. એની સાથે સ્મૃતિએ એક સુંદર તસવીર પોસ્ટ કરી અને કૅપ્શનમાં લખ્યું હતું, ‘જન્મદિન બદલ અભિનંદન, બૉય. તારું આવનારું વર્ષ શાનદાર રહેશે એવી શુભેચ્છા. હંમેશાં સાથે રહેવા બદલ ધન્યવાદ.’