શમીએ પાકિસ્તાની ખેલાડીઓની કરી બોલતી બંધ, આપી આ સલાહ, જાણો શા માટે?
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ફાઇનલ મેચમાં ભારત ભલે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું, પરંતુ તે પહેલા યોજાયેલી તમામ લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન યાદગાર રહ્યું છે. ભારતીય ટીમના અડધો અડધ ક્રિકેટરનું વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું, જેમાં મહોમ્મદ શમી હજુ પણ ચર્ચામાં છે.
ખાસ કરીને મોહમ્મદ શમીએ આખી ટૂર્નામેન્ટમાં 24 વિકેટ ઝડપીને ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. પરંતુ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરોને આ વાત હજમ થઇ નહોતી અને તેમણે ભારતીય ટીમને અલગ કંપની હોય કે અલગ રંગનો બોલ આપવાના ફાલતુ નિવેદનો કરી વિવાદ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. આ વિવાદ અંગે શમીએ તમામ ટીકાકારોને કડક શબ્દોમાં સંભળાવ્યું હતું.
ખાસ કરીને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝાએ આક્ષેપ કર્યો હતો કે ભારતીય બોલરોને કદાચ અન્ય ટીમના બોલરો કરતા કોઇ અલગ પ્રકારની, સ્પેશિયલ બોલ આપવામાં આવે છે. આથી તેવો આ પ્રકારનું પ્રદર્શન આપી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ હોબાળો થતા પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે હસન રઝાને બેફામ નિવેદન ન આપવા સમજાવ્યું હતું.
એક ઇન્ટરવ્યૂમાં શમીએ કહ્યું હતું કે હું શરૂઆતમાં તો નહોતો, પરંતુ જ્યારે હું ગેમમાં સામેલ થયો ત્યારે મેં પાંચ વિકેટ ઝડપી હતી, ત્યાર પછી પણ અનેક વિકેટો લીધી. આમ છતાં આ વાત અમુક પાકિસ્તાની ખેલાડીઓને પચતી નથી તો હું શું કરું? તમારા લોકોના દિમાગમાં તમે બેસ્ટ છો. પણ ભાઈ બેસ્ટ તો એ લોકો જે ટાઈમ પર શાનદાર પ્રદર્શન કરે. તમે ફક્ત વિવાદો ઊભા કરી રહ્યા છો. તમને અલગ કંપનીનો બોલ મળે છે. તમને અન્ય રંગનો બોલ મળે છે. અરે ભાઈ તમે સુધરી જાઓ.
શમીએ વસીમ અકરમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ જ વસ્તુ વસીમ ભાઇએ (અકરમ) એક ઇનટરવ્યૂમાં કહેલી છે કે કઇ રીતે બોલની પસંદગી થાય છે, કઇ રીતે ટીમ પાસે તે આવે છે, નિવેદન આપનાર પોતે પૂર્વ ક્રિકેટર હોવા છતાં આવું કહો છો, જે વ્યક્તિ ક્રિકેટ સાથે જોડાયેલું ન હોય તેને પણ આવી વાતો સમજાય. પછી લોકો તો હસે જ. હું બોલવામાં કડવો છું, પણ આવી બાબતોમાં બોલવું પણ જરૂરી છે.
શમીએ આ પહેલા પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા હસન રઝાને વળતો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, “શરમ કરો યાર, ગેમ પર ધ્યાન આપો. ક્યારેક તો બીજાની સફળતા માટે ખુશ થાઓ. આ ICC વર્લ્ડ કપ છે તમારી લોકલ ટૂર્નામેન્ટ નહિ.