પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધમાલ, ખેલાડીઓ લઈ શકે છે મોટો નિર્ણય

લાહોરઃ પાકિસ્તાનના કેટલાક ટોચના ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેનો તેમનો વાર્ષિક કરાર સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે કારણ કે પીસીબીએ કેટલાક ખેલાડીઓને વિદેશી ટી-20 લીગમાં રમવા માટે એનઓસી આપવાનો ઇનકાર કરી લીધો હતો.
વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના નબળા પ્રદર્શન પછી બોર્ડ અને ટીમની વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમની લીગ સ્ટેજમાંથી બહાર થવાને કારણે બાબર આજમને કેપ્ટનશિપ છોડવી પડી હતી, જ્યારે કોચ અને ડાયરેક્ટરને પણ પોતાના પદ ગુમાવવા પડ્યા હતા હવે તાજેતરમાં નવો વિવાદ છેડાયો છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ખેલાડીઓ છોડી શકે છે. ટીમ મેનેજમેન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગના કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમમાંથી મુક્ત હોવા છતાં વિદેશી લીગમાં રમવાની મંજૂરી ન આપવા બદલ બોર્ડથી નારાજ છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે આ મામલાએ વિવાદ પેદા કર્યો છે કારણ કે તાજેતરમાં જ બોર્ડે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા માટે જમાન ખાન, ફખર ઝમાન, મોહમ્મદ હરિસ (તમામ કેન્દ્રીય કરારવાળા) સહિતના કેટલાક ખેલાડીઓને એનઓસી આપવાનો ઇનકાર કર્યો હતો. પીસીબીએ આ પાછળ તર્ક આપ્યો હતો કે આ ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગ સિવાય બે લીગ રમી ચૂક્યા છે.
તેમણે કહ્યું હતું કે ઝકા અશરફના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલી વર્તમાન પીસીબી નીતિ મુજબ, કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને પીએસએલ સિવાય બે વિદેશી ટી-20 લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ કેન્દ્રીય કોન્ટ્રાક્ટ ન ધરાવતા ખેલાડીઓની રાષ્ટ્રીય ટીમમાં જરૂર ના પડે ત્યાં સુધી કોઇ બાધ્ય નથી.