ICC વન ડે વર્લ્ડ કપ 2023માં ગુરુવારે શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની મોટી જીતને કારણે પાકિસ્તાનની સેમિફાઇનલ રમવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. બંને ટીમોના નેટ રન રેટમાં એટલો મોટો તફાવત છે કે તેને પાર પાડવાનું હવે પાકિસ્તાનની ટીમ માટે શક્ય નથી. હવે માત્ર એક અભૂતપૂર્વ ચમત્કાર જ પાકિસ્તાનને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ચારમાં સ્થાન અપાવી શકે છે. જોકે તેની શક્યતા પણ લગભગ શૂન્ય છે.
પાકિસ્તાને ઈંગ્લેન્ડને 287 રનના વિશાળ અંતરથી હરાવવું પડશે, તો જ પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી શકશે. જો ઈંગ્લેન્ડની ટીમ પહેલા બેટીગ કરે તો પાકિસ્તાનને જે પણ ટાર્ગેટ મળે એ 3 ઓવરની અંદર પાર કરવાનો રહેશે, જે અશક્ય છે. પાકિસ્તાનને કોઈ ચમત્કાર જ સેમીફાઈનલમાં પહોંચાડી શકે છે
ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચમાંથી 5માં જીત મેળવીને 10 પોઈન્ટ અને 0.743ની નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે. બીજી તરફ, પાકિસ્તાન ટીમના 8 મેચમાં 4 જીત બાદ 8 પોઈન્ટ અને 0.036 નેટ રન રેટ સાથે પાંચમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડ નેટ રન રેટમાં પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે.
પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી લીગ મેચ ઈડન ગાર્ડન્સમાં ઇંગ્લેન્ડ સામે રમશે. આ ટુર્નામેન્ટમાં આ મેદાન પર સરેરાશ રન રેટ 5 કરતા ઓછો રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે અહીં 450 રન બનાવવા અત્યંત મુશ્કેલ છે. ત્યારબાદ ઈડન ગાર્ડન્સમાં સ્પિનરોને સારી મદદ મળી રહી છે. પરંતુ પાકિસ્તાન પાસે એક પણ સારો સ્પિનર નથી. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પ્રવેશવું લગભગ અશક્ય લાગે છે.
વરસાદ કે મેચ રદ્દ થવાથી પાકિસ્તાનને કોઈ ફાયદો થશે નહીં. હા, જો ન્યુઝીલેન્ડ-શ્રીલંકા મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હોત તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે માત્ર જીતની જરૂર હતી, પરંતુ ન્યુઝીલેન્ડ જીત બાદ પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
જોકે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને બોલર વસીમ અકરમે પાકિસ્તાનની ટીમને એક અનોખી ફોર્મ્યુલા આપી છે જેની મદદથી ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. તેમણે કહ્યું કે ‘ચોક્કસપણે પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર છે પરંતુ સેમિફાઇનલમાં પહોંચવાનો એક રસ્તો છે. જો પાકિસ્તાની ટીમે 500 રન બનાવવા પડશે અને જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા આવવાની હોય એ પહેલા તેમના ડ્રેસિંગ રૂમને 20 મિનિટ માટે તાળું મારી દો. જેના કારણે તેમના તમામ ખેલાડીઓ ટાઈમ આઉટનો શિકાર બને અને પાકિસ્તાન 500ના મોટા માર્જિનથી મેચ જીતી જાય છે.’ વસીમ અકરમે એક ટીવી શોમાં આ વાત મજાકમાં કહી હતી.