સૌરાષ્ટ્ર 183માં આઉટ, મુશીરની સેન્ચુરીથી બરોડા સામે મુંબઈ સારી સ્થિતિમાં
કોઇમ્બતુર: રણજી ટ્રોફીની પાંચ દિવસની ક્વૉર્ટર ફાઇનલમાં ગઈ કાલે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમ તામિલનાડુના સાઇ કિશોરની પાંચ વિકેટને કારણે માત્ર 183 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. અજિત રામે ત્રણ અને સંદીપ વૉરિયરે બે વિકેટ લીધી હતી. ચેતેશ્ર્વર પૂજારા માત્ર બે રને બોલર અજિતના હાથમાં જ કૅચઆઉટ થયો હતો. એકમાત્ર હાર્વિક દેસાઈએ 83 રનની લડાયક ઇનિંગ્સથી અને પ્રેરક માંકડે અણનમ 35 રન બનાવીને સૌરાષ્ટ્રને મોટી નામોશીથી બચાવ્યું હતું. તામિલનાડુએ 23 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.
મુંબઈમાં બરોડા સામે મુંબઈએ મુશીર ખાનના અણનમ 128 રનની મદદથી પાંચ વિકેટે 248 રન બનાવ્યા હતા. બરોડા વતી ભાર્ગવ ભટ્ટે ચાર વિકેટ લીધી હતી, જ્યારે એક વિકેટ નિનાદ રાઠવાને મળી હતી. તાજેતરના અન્ડર-19 વર્લ્ડ કપના બે સ્ટાર બોલર રાજ લિંબાણી અને પ્રિયાંશુ મોલિયા પણ બરોડાની ટીમમાં છે. ત્રીજી ક્વૉર્ટરમાં કર્ણાટક સામે વિદર્ભના ત્રણ વિકેટે 261 રન અને ચોથી ક્વૉર્ટરમાં આંધ્ર સામે મધ્ય પ્રદેશના નવ વિકેટે 234 રન હતા.