સંજૂ સેમસન હવે CSKમાં, ટ્રેડની વાતચીત, પણ આ કારણે અટક્યું?

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2026 (આઈપીએલ 2026)ના મિની ઓક્શન અગાઉ રાજસ્થાન રોયલ્સમાંથી સંજૂ સેમસનની સંભવિત વિદાયની ચર્ચાઓ ચાલી રહી છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ચેન્નઈ સુપર કિંગ્સે ટ્રેડ માટે રાજસ્થાન રોયલ્સનો સંપર્ક કર્યો હતો પરંતુ રાજસ્થાને પોતાના કેપ્ટનને સીએસકેના ત્રણ ખેલાડીઓમાંથી એક સાથે બદલવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે સેમસને રોયલ્સને વિનંતી કરી હતી કે તે રિલીઝ કરે અથવા ટ્રેડ કરી દે. બાદમાં ફ્રેન્ચાઇઝના મુખ્ય માલિક મનોજ બડાલેએ વ્યક્તિગત રીતે તમામ નવ આઇપીએલ ટીમોનો સંપર્ક કર્યો છે,અને પોતે વાતચીતનું નેતૃત્વ કર્યું છે.
આ પણ વાંચો: વેસ્ટ ઇન્ડિઝ પાંચ પાકિસ્તાનીને ઝીરોમાં આઉટ કરીને 34 વર્ષે જીત્યું સિરીઝ
તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બડાલે સેમસનના બદલામાં ચોક્કસ ખેલાડીઓના નામ પણ રજૂ કર્યા હતા અને ટ્રેડની નજીક પહોંચી ગયા છે. ચેન્નઈ એ ટીમમાં સામેલ છે જેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં બડાલે ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા અથવા શિવમ દુબેને ઈચ્છે છે. જોકે, પાંચ વખતની ચેમ્પિયન તેમાંથી કોઈ પણ ખેલાડીને છોડવા તૈયાર નથી. જેના કારણે જયપુરથી ચેન્નઈનો સેમસનો ટ્રેડ અટકી પડ્યો છે.
રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે સેમસનનું નામ હરાજીમાં સામેલ થવાની શક્યતા ઓછી છે, કારણ કે ઘણી ફ્રેન્ચાઇઝીઓએ તેને સીધો ટ્રેડ કરવામાં રસ દાખવ્યો છે. તે હજુ પણ રાજસ્થાનમાં રહી શકે છે, કારણ કે આવી પરિસ્થિતિઓમાં ખેલાડીઓ પાસે વિકલ્પ સિમિત હોય છે પરંતુ જોસ બટલરને રિલીઝ કરવાના નિર્ણય સહિત અનેક મુદ્દાઓને લઈને બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: બેડ ન્યૂઝઃ સંજુ સેમસન આટલા દિવસ ક્રિકેટ નહીં રમી શકે…
સેમસને ગત આઇપીએલ સીઝન અગાઉ કહ્યું હતું કે “તેને (બટલર)ને રીલિઝ કરવો એ મારા માટે સૌથી પડકારજનક નિર્ણયોમાંનો એક રહ્યો છે. ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન મેં તેને ડિનર પર કહ્યું હતું કે હું હજી પણ તે નિર્ણયમાંથી બહાર નીકળી શક્યો નથી. સંજુ સેમસને આર. અશ્વિન સાથેના તાજેતરના પોડકાસ્ટ દરમિયાન ફ્રેન્ચાઇઝીની પ્રશંસા કરી હતી.