ભારતનો એક ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘હાર્દિકને અન્યાય તો થયો જ છે’

નવી દિલ્હી: ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બન્યો ત્યાર પછી તેણે ઘણા મોટા નિર્ણયો લીધા છે અને સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનો નવો કૅપ્ટન બનાવવાનો નિર્ણય સૌથી મોટો છે. દેશના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ આ નિર્ણયને વખાણ્યો છે, પણ કેટલાકે અસહમતી બતાવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગડ એમાંનો એક છે જેને એવું લાગ્યું છે કે હાર્દિકને અન્યાય થયો છે.
રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી ટી-20 ઇન્ટરનૅશનલને ગુડબાય કરી એ સાથે એવું મનાતું હતું કે હાર્દિકને જ ટી-20 ટીમની કમાન સોંપવામાં આવશે. જોકે એવું તો ન બન્યું, તેને વાઇસ-કૅપ્ટન પણ નથી બનાવવામાં આવ્યો.
શ્રીલંકા સામે શનિવારે શરૂ થનારી ટી-20 સિરીઝની ટીમનો તેમ જ ત્યાર પછીની વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન શુભમન ગિલને બનાવાયો છે. હાર્દિક વન-ડે શ્રેણીમાં તો નથી રમવાનો, પણ ટી-20 ટીમમાં તે માત્ર પ્લેયર તરીકે રમશે. કહેવાય છે કે હાર્દિકને ફિટનેસના મુદ્દાને લીધે અને તેના અંગત જીવનમાં થયેલી હલચલને કારણે વાઇસ-કૅપ્ટન નથી બનાવવામાં આવ્યો.
આ પણ વાંચો: Divorce બાદ Natasa Stankovicએ કરી પહેલી પોસ્ટ, જોઈને Hardik Pandya પણ…
ભૂતપૂર્વ ભારતીય બૅટર સંજય બાંગડે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘એવું નથી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊતરતાં પહેલાં સૂર્યકુમાર યાદવ ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ મૅચો નહોતો રમ્યો. તે ડોમેસ્ટિક સ્તરે મુંબઈનું સુકાન સંભાળી ચૂક્યો છે અને સાથી ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કેવી રીતે કઢાવવો એ તે બહુ સારી રીતે જાણે છે.
એ દૃષ્ટિએ તેને ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનાવાયો એ નિર્ણય ખોટો નથી અને તેના નેતૃત્વમાં ભારતીય ટીમ સારું પર્ફોર્મ કરશે. જોકે પંડ્યાના મુદ્દે હું થોડો નિરાશ છું. મને એવું લાગ્યા કરે છે કે તેની સાથે અન્યાય થયો છે.’
સંજય બાંગડે એવું પણ કહ્યું છે કે ‘પંડ્યાને ટી-20 ટીમની કૅપ્ટન્સી નથી સોંપાઈ એ વિશે મને થોડું આશ્ર્ચર્ય પણ થાય છે, કારણકે તાજેતરના ટી-20 વર્લ્ડ કપ પહેલાં એવું લાગતું હતું કે જો રોહિતને કૅપ્ટન નહીં બનાવવામાં આવે તો ટીમની કમાન પંડ્યાને જ મળી શકે એમ છે. જો હાર્દિકને આઇપીએલ પહેલાં ઈજા ન થઈ હોત તો ટી-20 વિશ્ર્વ કપની કૅપ્ટન્સી તેને જ મળી હોત.’