સબાલેન્કા ફરી મેલબર્નની મહારાણી: ટાઇટલ ડિફેન્ડ કરનાર પહેલી મહિલા પ્લેયર
મેલબર્ન: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે ચીનની 12મી ક્રમાંકિત ઝેન્ગ ક્ધિવેનને ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં 6-3, 6-2થી હરાવીને સતત બીજા વર્ષે સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. આ તેનું બીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. ઑસ્ટ્રેલિયન ઓપનમાં કોઈ મહિલા ખેલાડીએ ટાઇટલ ડિફેન્ડ કર્યું હોવાનું એક દાયકાથી પણ વધુ સમયમાં પહેલી જ વાર બન્યું છે.
સબાલેન્કાએ તેના જ દેશની વિક્ટોરિયા અઝરેન્કાની બરાબરી કરી છે. તેની પહેલાં 2013માં બેલારુસની જ અઝરેન્કાએ ઑસ્ટ્રેલિયન ઓપનમાં સતત બે વાર સિંગલ્સની ટ્રોફી જીતી લીધી હતી.
પચીસ વર્ષની સબાલેન્કાએ મહિલા ટેનિસમાં સતત સારું પર્ફોર્મ કરનારી ખેલાડીઓમાં પણ પોતાનું નામ અંકિત કર્યું છે. તે જે છેલ્લી છ ગ્રૅન્ડ સ્લૅમ રમી છે એમાં સેમિ ફાઇનલમાં પહોંચી જ છે, ત્રણ વખત ફાઇનલમાં એન્ટ્રી કરી છે અને એમાં બે વાર ટ્રોફી જીતી છે. શનિવારની ફાઇનલમાં ઝેન્ગ સામે તેણે ઘાતક ગ્રાઉન્ડ સ્ટ્રૉક્સથી ઝેન્ગ પર સતતપણે પ્રભુત્વ જમાવ્યું હતું.
ઝેન્ગે તેને ખૂબ દોડાવી હતી, પણ સબાલેન્કાએ બન્ને છેડે ફૉરહૅન્ડ અને બૅકહૅન્ડથી તેને જડબાતોડ જવાબ આપ્યા હતા.
ઝેન્ગ આ ટૂર્નામેન્ટમાં એક પણ ક્રમાંકિત ખેલાડીનો સામનો કર્યા વગર ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં તેણે ચાર ચૅમ્પિયનશિપ પૉઇન્ટ બચાવ્યા હતા, પરંતુ સબાલેન્કાએ બીજા જ સેટમાં 6-2થી જીતીને કરીઅરનું 14મું ટાઇટલ મેળવી લીધું હતું.
પોલૅન્ડની ઇગા સ્વૉન્ટેક આ ટૂર્નામેન્ટમાં વહેલી બહાર થઈ જવા છતાં સોમવારે જાહેર થનારા નવા રૅન્કિંગ્સમાં નંબર-વન જ રહેશે. સબાલેન્કા બીજા નંબરે રહેશે, પરંતુ ચીનની ઝેન્ગ ટૉપ-ટેનમાં આવેલી જોવા મળશે.