સ્પોર્ટસ

રિયાન પરાગની 12 સિક્સર: રણજીમાં સેકેન્ડ-ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી

રાયપુર: આઇપીએલને કારણે મોટા ભાગના બૅટરનો બૅટિંગ અપ્રોચ બદલાઈ ગયો છે અને એની સીધી અસર તેઓ ડોમેસ્ટિક કે ઇન્ટરનૅશનલ મૅચમાં રમે ત્યારે સ્પષ્ટ દેખાઈ જતી હોય છે. આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી ધમાલ મચાવી ચૂકેલો બાવીસ વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર રિયાન પરાગ યાદ છેને? તેણે સોમવારે રાયપુરમાં છત્તીસગઢ સામેની રણજી મૅચમાં ધબધબાટી બોલાવી અને માત્ર 87 બૉલમાં 12 સિક્સર તથા 11 ફોરની મદદથી 155 રન ખડકી દીધા હતા. તેની આ તૂફાની ઇનિંગ્સ છતાં તેની કૅપ્ટન્સીમાં આસામે છત્તીસગઢ સામે પરાજય જોવો પડ્યો હતો, પરંતુ રિયાનનું નામ જરૂર રેકૉર્ડ-બુકમાં આવી ગયું છે.

આસામના બીજા દાવમાં બનેલા 254 રનમાંથી 155 રન એકલા રિયાનના હતા. જોકે છત્તીસગઢને જીતવા 87 રનનો લક્ષ્યાંક મળ્યો જે એણે વિના વિકેટે મેળવી લીધો હતો.

રિયાને ફક્ત 56 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. રણજી ટ્રોફીમાં સૌથી ઝડપે સદી ફટકારનારાઓમાં તે બીજા નંબર પર આવી ગયો છે. રણજીના ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનોમાં માત્ર રિષભ પંત તેનાથી આગળ છે. દિલ્હીના રિષભ પંતે 2016માં ઝારખંડ સામે માત્ર 48 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.

રણજી ટ્રોફીના ટોચના પાંચ ફાસ્ટેસ્ટ સેન્ચુરિયનોની વિગત આ મુજબ છે: (1) રિષભ પંત (દિલ્હી), 2016માં ઝારખંડ સામે 48 બૉલમાં 100 રન (2) રિયાન પરાગ (આસામ), 2024માં છત્તીસગઢ સામે 56 બૉલમાં 100 રન (3) નમન ઓઝા (મધ્ય પ્રદેશ), 2015માં કર્ણાટક સામે 69 બૉલમાં 100 રન (4) એકલવ્ય દ્વિવેદી (ઉત્તર પ્રદેશ), 2014માં રેલવે સામે 72 બૉલમાં 100 રન (5) રિષભ પંત (દિલ્હી), 2016માં ઝારખંડ સામે 82 બૉલમાં 100 રન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button