રોહિત દુબઈ પહોંચ્યો, પણ તેના પૉસ્ટર પાકિસ્તાનમાં ચમકી રહ્યા છે!

કરાચીઃ પાકિસ્તાનના કરોડો ક્રિકેટપ્રેમીઓ 29 વર્ષે પોતાના દેશમાં રમાનારી પહેલી મોટી આઇસીસી ટૂર્નામેન્ટ (વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી)ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભારતીય ટીમ દુબઈ પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાનમાં ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માના પોસ્ટર ચમકી રહ્યા છે.
વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વના એકમાત્ર ખેલાડી અને 264 રનનો વિક્રમજનક વ્યક્તિગત સ્કોર પોતાના નામે ધરાવતા રોહિત શર્માના પાકિસ્તાનમાં પણ અસંખ્ય ચાહકો છે. પાકિસ્તાન ભલે ભારતનો એકમાત્ર દુશ્મન-દેશ છે, પરંતુ ત્યાં હિટમૅન રોહિતનો ફૅનબેઝ બહુ મોટો છે.
ઉલ્લેખનીય છે કે ભારતે પોતાની ટીમને પાકિસ્તાન નથી મોકલી અને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મૅચો દુબઈમાં રમાવાની છે, પરંતુ રોહિત શર્મા અને પાકિસ્તાનની ટીમના કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને સામસામે બતાવતા પોસ્ટર પાકિસ્તાનના માર્ગો પર લગાડવામાં આવ્યા છે.
આપણ વાંચો: આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંની મોટી ઇવેન્ટ રદ કરી, શું હવે મુખ્ય ટૂર્નામેન્ટ પણ…
રવિવાર, 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2.30 વાગ્યાથી) ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ટક્કર થશે.
ભારત અને પાકિસ્તાનની ટીમ લિમિટેડ ઓવર્સના રૅન્કિંગમાં ભલે ગમે એ ક્રમે હોય, પરંતુ તેઓ સામસામે આવે ત્યારે તેમની ઓળખ બે પાવરહાઉસ ટીમ તરીકે જ થતી હોય છે, કારણકે આ બે દેશની ટીમ વચ્ચે જે ટક્કર થતી હોય છે એવી ટક્કર ક્રિકેટજગતમાં બીજા કોઈ પણ દેશ વચ્ચે નથી થતી હોતી. ભારત-પાકિસ્તાનની ટીમ સામસામે આવે ત્યારે સમગ્ર ક્રિકેટજગતનું ધ્યાન એ મુકાબલા પર જ હોય છે.
ભારતની જેમ પાકિસ્તાનના પણ અનેક ક્રિકેટપ્રેમીઓ આ મૅચ જોવા આતુર છે અને એ પહેલાં તેમણે પોતાની ટીમના કૅપ્ટન રિઝવાનની સાથે રોહિતને પણ પોસ્ટરમાં બતાવીને બન્ને પ્રત્યેનો પોતાનો ક્રેઝ બતાવ્યો છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી જેની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. એ સમયના ચૅમ્પિયન કૅપ્ટન સરફરાઝ અહમદે આઇસીસીની વેબસાઇટ પર લખેલી કટારમાં પાકિસ્તાનની આ વખતની ટીમ પર ખૂબ વિશ્વાસ મૂકતા જણાવ્યું છે કે `ભારતની બૅટિંગ તાકાત પર મને પૂરો ભરોસો છે.
આપણ વાંચો: આઇસીસીની ‘ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ના અગિયારમાંથી છ ભારતીય ખેલાડી, જાણો કોણ-કોણ છે આ ટીમમાં…
હાલમાં પાકિસ્તાનની બોલિંગ પણ ઘણી સારી છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે આવે ત્યારે એ અમૂલ્ય અવસર બની જાય છે. આ મૅચમાં ખૂબ જ માનસિક દબાણ અને અપેક્ષાનો ડુંગર હોય છે.
જોકે ખેલાડીઓએ મગજને શાંત રાખીને રમવું પડે અને જે કંઈ બાહ્ય અવાજ (ટિપ્પણીઓ) થાય એને અવગણવો પડે અને ઑસ્ટ્રેલિયા તથા અન્ય કોઈ દેશ સામે રમતા હોઇએ એ જ રીતે રમવું પડે.
2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીના બાબર આઝમમાં અને અત્યારના બાબર આઝમમાં ઘણો ફરક છે. તે અગાઉ કરતાં વધુ મૅચ્યૉર પ્લેયર બન્યો છે અને હરીફ પર પ્રભુત્વ જમાવવાની તેની તાકાત પણ વધી છે. પાકિસ્તાન માટે તેની અને ફખર ઝમાનની બૅટિંગ ખૂબ જ અગત્યની બની રહેશે.’