રોહિત શર્મા મળ્યો ફડણવીસનેઃ ક્રિકેટનો હિટમૅન રાજકારણમાં આવી રહ્યો છે કે શું?

મુંબઈઃ સાતમી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર હિટમૅન રોહિત શર્મા મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાન વર્ષા' ખાતે મળવા ગયો હતો અને આ મુલાકાત દરમ્યાન ફડણવીસ (DEVENDRA FADANVIS)એ રોહિતને શાનદાર ટેસ્ટ-કરીઅર બદલ અભિનંદન આપ્યા હતા તેમ જ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.
બન્નેની આ મુલાકાતને પગલે મીડિયામાં એવી વાતો ચગી છે કે રોહિત (ROHIT SHARMA) હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશી રહ્યો છે. એવી પણ અફવા ફેલાઈ છે કે રોહિત ભારતીય જનતા પક્ષ (BJP)માં જોડાઈ રહ્યો છે.
આપણ વાંચો: રોહિત શર્માના રિટાયરમેન્ટની એનાઉન્સથી તૂટ્યું આ છોકરીનું દિલ, ધ્રુસકે ધ્રુસકે રડીને…
ફડણવીસે આ મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી હતી તેમ જ બૅટિંગની અપ્રતિમ કુશળતા બદલ ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કૅપ્ટન રોહિત શર્માને બિરદાવ્યો હતો. ફડણવીસે પોતાના નિવાસસ્થાને પધારેલા રોહિતનું સન્માન પણ કર્યું હતું. રોહિતે ટી-20 પછી હવે ટેસ્ટ પણ છોડી દીધી છે, પરંતુ તે હજી પણ વન-ડેનો સુકાની છે.
તાજેતરમાં જ તેના સુકાનમાં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને લીગ મુકાબલામાં પછડાટ આપ્યા બાદ ટ્રોફી જીતી લીધી હતી. ફડણવીસે કહ્યું હતું કે
રોહિતને મારા સત્તાવાર નિવાસસ્થાન `વર્ષા’ ખાતે આવકારવામાં મેં અત્યંત આનંદ અનુભવ્યો. તેમની સાથે ખૂબ વાતો કરી અને મેં તેમને ભવ્ય ટેસ્ટ કારકિર્દી બદલ અભિનંદન આપ્યા અને ભાવિ ક્રિકેટ-સફર માટે તેમ જ ભવિષ્ય માટે ઘણી શુભેચ્છાઓ પણ આપી.’
આપણ વાંચો: રોહિત શર્માએ કયો અહેવાલ વાઇરલ થયા બાદ અચાનક ટેસ્ટમાંથી સન્યાસ લઈ લીધો?
રોહિતે 67 ટેસ્ટમાં 12 સેન્ચુરી અને 18 હાફ સેન્ચુરીની મદદથી 40.57ની સરેરાશે કુલ 4,301 રન કર્યા હતા.
થોડા વર્ષો પહેલાં સૌરવ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સાથે કેટલીક મુલાકાતો કરી ત્યારે એવી વાતો ચગી હતી કે ગાંગુલી રાજકારણમાં પ્રવેશી રહ્યો છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ મમતા બૅનરજીના તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) પક્ષમાં છે અને પશ્ચિમ બંગાળનો વિધાનસભ્ય છે. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ કૉંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલો છે. ગૌતમ ગંભીર ભાજપ સાથે સંકળાયેલો હતો અને દિલ્હીમાં સંસદસભ્ય હતો, પણ તે હવે રાજકારણથી દૂર થઈ ગયો છે અને હાલમાં ભારતીય ટીમનો હેડ-કોચ છે.