રોહિત-કોહલીના ફેરવેલની તૈયારી? આ દેશનો પ્રવાસ છેલ્લો રહેશે, ગંભીરના નિવેદનથી ચર્ચા તેજ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્તંભ સમાન બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણા સમયથી ઇન્ડિયન ટીમની બ્લુ જર્સીમાં દેખાયા નથી. બંનેએ ખેલાડીઓએ ગત વર્ષે T20 વર્લ્ડ કપ બાદ 20 ઓવરના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા બંને એ ટેસ્ટ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી. હવે ચાહકો બંનેને માત્ર ODI મેચોમાં જ રમતા જોવા મળશે. ચાહકો ઈચ્છી રહ્યા છે કે બંને ODI વર્લ્ડ કપ 2027માં પણ રમતા જોવા મળે પણ એ પહેલા બંને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લે એવી શક્યતા બધું પ્રબળ (Virat-Rohit ODI retirement) બની છે.
ગ્રાન્ડ ફેરવેલ માટે તૈયારીઓ:
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાની છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ટીમ સામે ત્રણ ODI મેચની સિરીઝ રમશે. આ સિરીઝમાં કોહલી અને રોહિત રમતા જોવા મળી શકે છે, પરંતુ આ પ્રવાસ બંને માટે અંતિમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસ હોઈ શકે છે. ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝને બંને દિગ્ગજ ખેલાડીઓના ફેરવેલ પ્રવાસ તરીકે જોવામાં આવી રહી છે, જેના કારણે ચાહકો માટે આ સિરીઝ ઇમોશનલ રહી શકે છે. અહેવાલ મુજબ બંનેના ગ્રાન્ડ ફેરવેલ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગંભીરના નિવેદનથી અટકળોને વેગ મળ્યો:
એવામાં ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરએ આપેલાં નિવેદનની ખુબ ચર્ચા થઇ રહી છે. ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પત્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે કહ્યું કે કોઈ પણ રમતમાં રમતો ખેલાડી, તેના ફેરવેલ માટે નથી રમતો. આપણે ખેલાડીઓને તેને આપેલા યોગદાન અને તેમણે દેશ માટે શું કર્યું છે એના આધારે યાદ રાખવા જોઈએ. તેમને ફેરવેલ મળે કે ન મળે તેનાથી કોઈ ફરક પડતો નથી. દેશ તરફથી મળતા પ્રેમથી મોટું ફેરવેલ શું હોઈ શકે.
ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરનાં આ નિવેદનને કારણે રોહિત અને વિરાટની નિવૃત્તિની અટકળોને વેગ મળ્યો છે.
આપણ વાંચો: સિરાજના ઘરની દિવાલ પર ભારતીય લેજન્ડનું છેલ્લી ટેસ્ટવાળું ટી-શર્ટ!