સ્પોર્ટસ

રોહિત-વિરાટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે, હમણાં ઓચિંતી શાની નિવૃત્તિ લે!

અજય મોતીવાલા
મુંબઈઃ
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ગયા વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ તરત જ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે ભારતના આ બન્ને બૅટિંગ-લેજન્ડના ટેસ્ટ-રિટાયરમેન્ટનો સમય નજીક આવી ગયો છે અને બૅટિંગ-ફૉર્મની દૃષ્ટિએ કરીઅરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવાથી ગમે એ ઘડીએ તેઓ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લેશે એવું ઘણા વિચારતા હશે.

જોકે કોઈ દિગ્ગજ અને ધરખમ ખેલાડીએ રિટાયર થવાનું હોય ત્યારે તેણે ઘણી રીતે વિચાર કરવો પડતો હોય. ખાસ કરીને, આજના જમાનામાં ધીકતી કમાણી સૌથી મહત્ત્વની છે એ જોતાં આવા પ્લેયરે નિવૃત્તિનો નિર્ણય લેતાં પહેલાં કે એની સત્તાવાર રીતે જાહેરાત કરતા પહેલાં જે કંપનીઓએ પોતાના પર કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોય એને (કંપનીઓની બ્રૅન્ડ માટે થયેલા કરારને) પણ ધ્યાનમાં લેવા પડે.

છેલ્લા ત્રણ મહિનાથી ટેસ્ટમાં બૅટિંગ તેમ જ કૅપ્ટન્સી બાબતમાં રોહિત શર્માના વળતા પાણી છે. તેના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી હાર થયા બાદ હવે ઑસ્ટ્રેલિયા સામે 1-3થી જે પરાજય થયો એને લીધે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલની રેસમાંથી બહાર થઈ જવું પડ્યું છે.

આપણ વાંચો: `સેન્સીબલ આદમી હૂં, દો બચ્ચોં કા બાપ હું’…કેમ રોહિત શર્માએ આવું કહેવું પડ્યું?

રોહિતના સપ્ટેમ્બરથી ડિસેમ્બર, 2024 સુધીના 16 ટેસ્ટ ઇનિંગ્સના પર્ફોર્મન્સ પર એક નજર કરીએઃ 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 3, 6, 10, 3 અને 9 રન.

વન-ડે ક્રિકેટના કિંગ અને ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્મા જો છેલ્લા ચાર મહિનામાં ભારતનો ટેસ્ટ-કૅપ્ટન ન હોત તો ઑસ્ટ્રેલિયા ખાતેની ટેસ્ટ ટીમમાં તે કદાચ જોવા પણ ન મળ્યો હોત. તેણે બે દિવસ પહેલાં જાણીતી સ્પોર્ટસ ચૅનલને મુલાકાત દરમ્યાન તેની નિવૃત્તિ વિશેની અટકળો બાબતમાં ભલે એવું કહ્યું કે અરે ભાઈ, મૈં કહીં નહીં જા રહા હૂં.

મૈં સેન્સીબલ આદમી હૂં, દો બચ્ચોં કા બાપ હૂં...' રોહિતે એવું પણ કહ્યું કેમારી પાસે થોડું તો દિમાગ છે કે મારે શું જોઈએ…અમારે ક્યારે રમવાનું, ક્યારે નહીં રમવાનું, ક્યારે કૅપ્ટન્સી સંભાળવાની એવું બધુ બીજા લોકોએ નક્કી ન કરવાનું હોય…’

રોહિત શર્મા મહાન ખેલાડી છે એમાં બેમત નથી, પણ જેમ મૅચ દરમ્યાન ટીમની સ્થિતિ પ્રમાણે ખેલાડીએ રમવાનું હોય એમ પ્લેયરે ટીમની સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઈને પોતે પ્લેઇંગ-ઇલેવનમાં પોતાને જાળવી રાખવો જોઈએ કે નહીં એ પણ વિચારવું જોઈએ.

આપણ વાંચો: રોહિત શર્માએ નિવૃત્તિ પર કરી સ્પષ્ટતા, કહ્યું કે…..

રોહિતે પોતાને આરામ' આપવાનો જે નિર્ણય સિડનીની આખરી ટેસ્ટની શરૂઆત પહેલાં લીધો એ જ નિર્ણય જો બ્રિસ્બેનમાં ગૅબા ખાતેની ત્રીજી ટેસ્ટ પહેલાં કે મેલબર્નની ચોથી ટેસ્ટ પહેલાં લીધો હોત તો ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન સ્ક્વૉડમાં સામેલ યુવાન બૅટર્સ અભિમન્યૂ ઈશ્વરન, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન કે દેવદત્ત પડિક્કલમાંથી કોઈને રમવા મળ્યું હોત.

જો એવું થયું હોત તો ભારતના ટૉપ-ઑર્ડર કે મિડલ-ઑર્ડરમાં બે-ચાર સારી ઇનિંગ્સ જોવા મળી હોત અને સિરીઝનું પરિણામ 1-3ની હારને બદલે કદાચ જૂદું જ હોત.

જોકે રોહિત સિરીઝના છેલ્લા દિવસોમાં પોતાનેડ્રૉપ’ કરવાને બદલે થોડી મૅચ પહેલાં જ એ નિર્ણય નહીં લઈ શક્યો હોય એનું કારણ એ લાગે છે કે અમુક જાણીતી બ્રેન્ડ્સના પ્રચાર માટે તેણે કંપનીઓ સાથે અમુક ચોક્કસ સમય સુધીના (2025 સુધીના કે 2026 સુધીના) એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ કર્યા હશે એટલે તેના હાથ બંધાયેલા હશે.

આપણ વાંચો: રોહિત શર્મા ખુદ ટીમની બહાર થયો કે કરી દેવામાં આવ્યો?

સોશિયલ મીડિયામાં લોકોના અને ટીકાકારોના ઊહાપોહને કારણે જો તે હમણાં અચાનક નિવૃત્તિ જાહેર કરી દે તો તેની શાખને અસર થાય એટલે તેની સાથે કરાર કરનાર કંપનીઓના મન પણ ખાટાં થઈ જાય. આ સ્થિતિમાં રોહિત માટે મોટી મૂંઝવણ ઊભી થાય એટલે તેણે ટેસ્ટ-નિવૃત્તિની બાબતમાં હમણાં કોઈ નિર્ણય લેવાનું ટાળ્યું હશે.

આવું જ વિરાટ કોહલીની બાબતમાં પણ કહી શકાય. તેના પણ કંપનીઓ સાથે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅકટ હશે એટલે તે પણ જો અચાનક રિટાયરમેન્ટ જાહેર કરી દે તો તેની બ્રેન્ડ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પણ કદાચ કાનૂની રીતે વાંધો લે એટલે તેણે પણ ખરાબ ફૉર્મ હોવા છતાં હમણાં રિટાયરમેન્ટ ટાળ્યું હશે. તેની છેલ્લી 15 ટેસ્ટ ઇનિંગ્સના સ્કોર્સ આ મુજબ છેઃ 0, 70, 1, 17, 4, 1, 5, 100 નૉટઆઉટ, 7, 11, 3, 36, 5, 17 અને 6 રન.

હવે ભારતની આગામી ટેસ્ટ-સિરીઝ છેક છ મહિના પછી રમાશે એટલે ત્યાં સુધી કદાચ બન્ને દિગ્ગજની ટેસ્ટ-નિવૃત્તિનો મામલો ઠંડો પડી જશે. રોહિત-વિરાટ હવે સીધા ફેબ્રુઆરીમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં અને પછી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button