રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સનો ઑલ્ડેસ્ટ ચૅમ્પિયન બન્યો
મેલબર્ન: લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ યુવાન વયે ઘણા વિક્રમો રચીને ટેનિસની મેન્સ ડબલ્સમાં ભારતનું નામ રોશન કરી ચૂક્યા છે, પરંતુ રોહન બોપન્નાએ શનિવારે મેલબર્નમાં મોટી ઉંમરે વર્લ્ડ રેકૉર્ડ રચીને ભારતને અનેરું ગૌરવ અપાવ્યું હતું.
શનિવારે બોપન્નાની ઉંમર 43 વર્ષ અને 329 દિવસની હતી. તે ટેનિસના ગ્રૅન્ડ સ્લૅમની પુરુષોની ડબલ્સમાં સૌથી મોટી ઉંમરે ટાઇટલ જીતનારો ખેલાડી બન્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેનની જોડીએ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ઇટલીના સિમોન બૉલેલી અને ઍન્ડ્રીયા વૅવાસૉરીની જોડીને 7-6 (7-0), 7-5થી હરાવી દીધી હતી.
આ મુકાબલો એક કલાક અને 40 મિનિટ સુધી ચાલ્યો હતો અને મોટા ભાગના સમયમાં બોપન્ના-એબ્ડેનનું વર્ચસ રહ્યું હતું. ખરા સમયે બન્ને પ્લેયર બેસ્ટ ક્ષમતાથી રમ્યા હતા અને ઇટલીની જોડીને હરાવ્યા પછી આક્રમક મૂડમાં આવીને સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા. તેઓ હાર્ટ-કોર્ટ પરની આ મૅચમાં તમામ સાત ટાઇ-બ્રેક જીત્યા હતા. સિમોન બૉલેલી અને ઍન્ડ્રીયા વૅવાસૉરી જોડીમાં પહેલી જ વાર ટાઇટલ જીતવાની તૈયારીમાં હતા, પણ બોપન્ના-એબ્ડેનની જોડીએ તેમનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું.
બોપન્ના અગાઉ એક ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો હતો, પણ એ મિક્સ્ડ-ડબલ્સનું હતું. 2017માં તેણે કૅનેડાની ગૅબ્રિયેલા દાબ્રોવ્સ્કી સાથેની જોડીમાં ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ-ડબલ્સમાં ચૅમ્પિયન બન્યો હતો. મેન્સ ડબલ્સમાં બોપન્નાનું આ પહેલું જ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે અને એ પણ તેણે સૌથી મોટી ઉંમરે જીતીને નવો ઇતિહાસ રચીને મેળવ્યું છે.
બોપન્નો સાથી ખેલાડી મૅથ્યૂ એબ્ડેન 36 વર્ષનો છે. તેનું આ બીજું મેન્સ ડબલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. 2022માં તે મૅક્સ પુર્સેલ સાથેની જોડીમાં વિમ્બલ્ડનનું ડબલ્સનું ટાઇટલ જીત્યો હતો.
એબ્ડેને ફાઇનલ પછી જોડીદાર બોપન્નાની ભારોભાર પ્રશંસા કરતા કહ્યું, ‘અમારા માટે આ ટૂર્નામેન્ટ અદ્ભુત હતી. થૅન્ક્સ ટૂ માય અમેઝિંગ પાર્ટનર. તે 43 વર્ષનો છે અને આટલી મોટી ઉંમરે પ્રથમ ડબલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતીને તેણે સાબિત કર્યું છે કે તેના માટે ઉંમરનું કોઈ જ મહત્ત્વ નથી, ક્ષમતાથી રમીને ટાઇટલ મેળવવું એ જ સૌથી મહત્ત્વનું છે.તે ચૅમ્પિયન અને લડવૈયો છે. હું હંમેશાં તેનો આભારી રહીશ.’