સ્પોર્ટસ

ઉત્તરાખંડ પર મોટા ભૂકંપનું જોખમ: વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી

નવી દિલ્હી: આજે રશિયામાં 8.8 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યા બાદ સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. સમગ્ર દેશમાં ફરી એકવાર ભૂકંપને લઈને ચર્ચા શરૂ થઈ છે. ભારતમાં પણ ઘણા એવા વિસ્તારો છે, જે ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. ઉત્તરાખંડ પણ આવો જ એક વિસ્તાર છે. ઉત્તરાખંડમાં ભૂકંપને લઈને વૈજ્ઞાનિકોએ મોટી ચેતવણી આપી છે.

ઉત્તરપૂર્વ ભારતના વિસ્તારો ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ

ઉત્તરાખંડ, ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. છેલ્લા 500 વર્ષમાં ઉત્તરાખંડમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. વૈજ્ઞાનિકો તેને સેન્ટ્રલ સિસ્મિક ગેપ તરીકે ઓળખાવી રહ્યા છે, જ્યાં ભૂકંપીય ઊર્જા મોટી માત્રામાં સંગ્રહિત થઈ રહી હોય તેને વૈજ્ઞાનિક ભાષામાં સેન્ટ્રલ સિસ્મિક ગેપ કહેવામાં આવે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને સિંગાપોરના એશિયન સિસ્મોલોજીકલ કમિશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પરમેશ બેનર્જીએ જણાવ્યું કે, ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતના વિસ્તારો ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. છેલ્લા 500-600 વર્ષોમાં આ પ્રદેશમાં, ખાસ કરીને ઉત્તરાખંડમાં, કોઈ મોટો ભૂકંપ અનુભવાયો નથી.

ભૂકંપની સંચીત ઊર્જા મુક્ત થવી જરૂરી છે

ડૉ. બેનર્જીએ આગળ સમજાવતા જણાવ્યું કે, “આટલા નાના ભૂકંપો છતાં, પૃથ્વીની અંદર સંગ્રહિત ભૂકંપીય ઊર્જાનો માત્ર 5-6% જ મુક્ત થયો છે. કાંગડાથી નેપાળ-બિહાર સરહદ સુધી ફેલાયેલા સેન્ટ્રલ સિસ્મિક ગેપમાં મોટી માત્રામાં ઊર્જા સંગ્રહિત થઈ રહી છે. ઉત્તરાખંડ ભૂકંપ ઝોન 4 અને 5 માં આવે છે, જે ઉચ્ચ જોખમી વિસ્તારો છે. ઉત્તરકાશી (ભટવારી), રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથોરાગઢ જેવા વિસ્તારોમાં વારંવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. જોકે, વૈજ્ઞાનિકો ભારપૂર્વક જણાવે છે કે નાના ભૂકંપનો અર્થ એ નથી કે મોટો ભૂકંપ નહીં આવે. નાના ભૂકંપ સંચિત ઊર્જાને સંપૂર્ણપણે મુક્ત કરવામાં અસમર્થ હોય છે, અને આ ઊર્જાને મુક્ત કરવા માટે 7 કે 8 રિક્ટર સ્કેલથી વધુની તીવ્રતાનો ભૂકંપ જરૂરી છે.”

ભૂકંપ ક્યારે આવશે એ કહી શકાય નહીં

ડૉ. બેનર્જીના મતે, ઉત્તરપશ્ચિમ હિમાલય, ખાસ કરીને ઉત્તરાખંડમાં ભૂકંપીય ઊર્જા સતત એકઠી થઈ રહી છે. આ પ્રદેશમાં 7 કે 8 રિક્ટર સ્કેલથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાનું લગભગ નિશ્ચિત છે, પરંતુ તેના સમયની આગાહી કરવી મુશ્કેલ છે. જ્યારે પણ આ ભૂકંપ આવે છે, ત્યારે તે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વિનાશ લાવી શકે છે. આનું મુખ્ય કારણ યુરેશિયન પ્લેટ અને ભારતીય પ્લેટ વચ્ચે સતત અથડામણ છે, જે હિમાલય ક્ષેત્રમાં ભૂકંપીય પ્રવૃત્તિઓમાં વધારો કરે છે. ઉત્તરાખંડમાં માટી અને જમીનની ઢીલી રચનાને કારણે, ભૂકંપની અસર વધુ વિનાશક હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોની આ ગંભીર ચેતવણી મુજબ, ઉત્તરાખંડ સહિતના પ્રદેશમાં ભૂકંપ નિવારણ અને તૈયારી માટે નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે, જેથી સંભવિત વિનાશ ઘટાડી શકાય અને જાનમાલનું રક્ષણ કરી શકાય.

આપણ વાંચો : ઓવલમાં ફતેહ કરો અને કરોડોનાં દિલ જીતો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button