રિષભ પંતે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ કમેન્ટનો આ રીતે ફાયદો ઉઠાવ્યો…

નવી દિલ્હી: જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસકર ટ્રોફીની એક મૅચ દરમ્યાન રિષભ પંતે ખરાબ શૉટમાં વિકેટ ગુમાવી દીધી ત્યારે સુનીલ ગાવસકરે ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ બોલીને પંતના એ અભિગમને ખૂબ વખોડ્યો હતો, પરંતુ હવે રિષભ પંતે એ જ ત્રણ શબ્દોનો ઉપયોગ માર્કેટિંગમાં કર્યો છે.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં 1-3થી હારી ગઈ હતી. રિષભ પંતે નવ ઇનિંગ્સમાં માત્ર એક હાફ સેન્ચુરીની મદદથી 255 રન બનાવ્યા હતા. રિષભ પંતે 2021માં ઑસ્ટ્રેલિયાની ટૂરમાં માત્ર પાંચ દાવમાં 274 રન કર્યા હતા જેની સરખામણીમાં આ વખતનો તેનો પર્ફોર્મન્સ ખરાબ હતો.
આપણ વાંચો: ગાવસકરનું પાંચ વર્ષના બાળકની જેમ ઠેકડા મારીને સેલિબ્રશન, જુઓ મજા પડી જાય એવો વીડિયો…
આ વખતે પણ ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ ખુદ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરના નામે જ રમાઈ હતી.
મેલબર્ન ખાતેની ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં રિષભ પંતે જોખમ ખેડીને સ્કૉટ બોલૅન્ડના એક બૉલમાં સ્કૂપ મારવાના પ્રયાસમાં કૅચ આપી દીધો હતો. ગાવસકર ત્યારે કૉમેન્ટરી બૉક્સમાં હતા અને તેઓ પંતના આ શૉટથી ખૂબ નારાજ થયા હતા.
ગાવસકરે ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ’ની કમેન્ટથી પંતની ઝાટકણી કાઢવાનું શરૂ કર્યું હતું અને કૉમેન્ટરીમાં જણાવ્યું હતું કે ‘અરે ભાઈ, ડીપ ફાઈન લેગમાં બે ફીલ્ડર ઉભા હતા અને તારે ત્યાં જ શૉટ મારવો હતો! હજી પાછલા જ બૉલમાં તું આવા શૉટમાં બચી ગયો હતો અને બીજા જ બૉલમાં તે ફરી એ જ જોખમ ઉઠાવ્યું. આને તું તારી નેચરલ ગેમ કહે છે? તેં તો વિકેટ ફેંકી દીધી. આ શૉટ મારીને તેં સાવ મૂરખ જેવું કામ કર્યું. તે આજે કર્યું એની ટીમ પર વિપરીત અસર પડી શકે. તારે હંમેશાં પરિસ્થિતિ જોઈને રમવું જોઈએ.’
આપણ વાંચો: ગાવસકરે રોહિતને સલાહ આપી કે `તું પચીસ ઓવર સુધી બૅટિંગ કરીશ તો…’
રિષભ પંતે વિકેટ ફેંકી દીધી એટલે ગાવસકરનો ક્રોધ સમાતો નહોતો. પંત પૅવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે ગાવસકર બોલ્યા, ‘તેણે આ (ભારતના) ડ્રેસિંગ રૂમમાં ન જવું જોઈએ. તેણે બીજા જ (ઑસ્ટ્રેલિયાના) ડ્રેસિંગ રૂમમાં જતા રહેવું જોઈએ.’
બીજો કોઈ ખેલાડી હોત તો તેણે ગાવસકરની સ્ટૂપિડવાળી કમેન્ટને કદાચ મન પર લઈ લીધી હોત. જોકે રિષભ પંતે એ ટિપ્પણીનો માર્કેટિંગમાં ઉપયોગ કર્યો છે અને ચાહકોને હસાવ્યા છે.
રિષભ પંત બાવીસમી માર્ચે શરૂ થતી આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમની કેપ્ટન્સી સંભાળશે. આ ટીમ માટેની એક જાહેરખબરના શૂટિંગમાં રિષભ પંતે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ’ કમેન્ટને રમૂજી રીતે રીક્રિએટ કરી હતી જેનો વિડીયો વાઈરલ થયો છે.