Champions League Football : રિયલ મૅડ્રિડ 15મી વાર ચૅમ્પિયન: પોલીસે 53 તોફાનીઓની કરી ધરપકડ | મુંબઈ સમાચાર

Champions League Football : રિયલ મૅડ્રિડ 15મી વાર ચૅમ્પિયન: પોલીસે 53 તોફાનીઓની કરી ધરપકડ

ફાઇનલમાં ડૉર્ટમન્ડને 2-0થી હરાવ્યું: સ્પેનિશ ટીમ છેલ્લા દસ વર્ષમાં પાંચ વાર વિજેતા બની છે

લંડન: અહીંના વેમ્બ્લી સ્ટેડિયમમાં શનિવારે રિયલ મૅડ્રિડે બોરુસિયા ડોર્ટમન્ડને ફાઇનલમાં 2-0થી હરાવીને 15મી વખત ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ જીતી લીધું હતું. રિયલ મૅડ્રિડે પોતાના જ વિક્રમને આગળ વધાર્યો છે, કારણકે બીજી કોઈ પણ ટીમ 10 વખત પણ ચૅમ્પિયન નથી બની. બીજા નંબરે એસી મિલાન છે જેની પાસે સાત ટાઇટલ છે.

શનિવારની ફાઇનલ વખતે પોલીસે સ્ટેડિયમમાંથી તેમ જ એની આસપાસના વિસ્તારોમાંથી કુલ મળીને 53 તોફાનીઓની ધરપકડ કરી હતી. રિયલ મૅડ્રિડના કોચ કાર્લોસ ઍન્સલૉટ્ટીનો પાંચ ચૅમ્પિયન્સ લીગ જીતવાનો વિક્રમ છે.

https://twitter.com/realmadriden/status/1797010361104674816

સ્પેનની રિયલ મૅડ્રિડ ટીમ છેલ્લા દસ વર્ષમાં પાંચ વાર આ ચૅમ્પિયનશિપ જીતી છે.

રિયલ મૅડ્રિડની ટીમ આ ફાઇનલ જીતવા માટે ફેવરિટ હતી. જોકે ફર્સ્ટ હાફમાં ડૉર્ટમન્ડની ટીમે મૅડ્રિડની ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. જોકે સેક્ધડ હાફમાં મૅડ્રિડના ખેલાડીઓએ સંપૂર્ણ વર્ચસ જમાવ્યું હતું. મૅડ્રિડની ડિફેન્સ મજબૂત હતી જેને લીધે ડૉર્ટમન્ડની ટીમ એક પણ ગોલ નહોતી કરી શકી. 74મી મિનિટમાં ડૉર્ટમન્ડની ડિફેન્સ ખુલ્લી પડી ગઈ હતી, કારણકે એ તબક્કે મૅડ્રિડના દાની કાર્વાયલે ગોલ કરીને મૅડ્રિડને 1-0થી સરસાઈ અપાવી હતી. 83મી મિનિટમાં વિનિસિયસ જુનિયરે ગોલ કરીને સરસાઈ વધારીને 2-0 કરી હતી. અનુક્રમે ટી. ક્રૂઝ અને જૂડ બેલિંગમે આ બે ગોલ કરવામાં મદદ કરી હતી.

લંડનની પોલીસે જે 53 જણની ધરપકડ કરી હતી એમાંના પાંચ જણને મેદાન પર દોડી આવવા બદલ તેમ જ બીજા કેટલાકને ટિકિટ વગર સ્ટેડિયમમાં ઘૂસવાનો પ્રયાસ કરવા બદલ અને બીજા અમુકને શહેરમાં આ મૅચ સંબંધમાં દેખાવો કરવા બદલ પકડવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button