રામકુમાર અને બાલાજીએ ડેવિસ કપમાં પાકિસ્તાન સામે 2-0થી સરસાઈ અપાવી

ઇસ્લામાબાદ: ભારતના ટેનિસ ખેલાડીઓ પાકિસ્તાનમાં ટેનિસ ટૂર્નામેન્ટ રમવા ગયા હોવાનો 60 વર્ષે પહેલો કિસ્સો બન્યો છે અને ભારે સલામતી વચ્ચે શનિવારે ડેવિસ કપમાં રમાયેલી પહેલી બે સિંગલ્સ મૅચ ભારતે જીતીને 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. પાકિસ્તાન સામે ભારત ક્યારેય ડેવિસ કપનો મુકાબલો હાર્યું નથી અને આ વખતે પણ ભારતનો જયજયકાર પાકિસ્તાનમાં થશે એની પાકી સંભાવના છે.
રામકુમાર રામનાથને પાકિસ્તાનના ટોચના ખેલાડી ઐસામ ઉલ હક કુરેશી સામે 6-7 (3-7), 7-6 (7-4), 6-0થી વિજય મેળવ્યો હતો. પ્રથમ ગેમ હારી ગયા પછી રામકુમારે મક્કમતા સાથે કમબૅક કરીને બાકીની બન્ને ગેમ જીતી લીધી હતી.
એ સાથે ભારતે પાંચ મૅચના આ મુકાબલામાં વિજયી શ્રીગણેશ કર્યા હતા.
બીજી મૅચમાં ડબલ્સના સ્પેશિયાલિસ્ટ એન. શ્રીરામ બાલાજીએ સિંગલ્સની ટક્કરમાં પાકિસ્તાનના અકીલ ખાન સામે વરસાદના વિઘ્નો વચ્ચે 7-5, 6-3થી હરાવી દીધો હતો. રિવર્સ સિંગલ અને ડબલ્સમાં પણ ભારતીય ખેલાડીઓ જીતવા માટે ફેવરિટ છે. રવિવારે ભારતના યુકી ભાંબરી અને સાકેત માયનેની પર સૌ કોઈની નજર રહેશે.
ઇસ્લામાબાદમાં કાતિલ ઠંડી છે અને એવા વાતાવરણમાં ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે વિજયનો 100 ટકા રેકૉર્ડ જાળવી રાખવાના દૃઢ સંકલ્પ સાથે રમી રહ્યા છે.