રાહુલ કહે છે, “ઈજા મારી બેસ્ટ ફ્રેન્ડ”
જયપુર: હજી થોડા દિવસ પહેલાં એવું મનાતું હતું કેએલ રાહુલ આઈપીએલની શરૂઆતની કેટલીક મૅચો કદાચ નહીં રમે. પછી એવો અહેવાલ હતો કે તબીબી સલાહ મુજબ તે આરંભમાં માત્ર બૅટિંગ કરશે, વિકેટકીપિંગ નહીં કરે.
જોકે ફિટનેસની બાબતમાં તેના માટે થોડો ચમત્કાર થઈ ગયો. તે રાજસ્થાન સામેની મૅચમાં ગલ્વ્ઝ પહેરીને ઉતર્યો અને કીપિંગની જવાબદારી બખૂબી સંભાળી. તેણે જોસ બટલર અને શિમરોન હેટમાયરનો કૅચ પકડીને અનુક્રમે નવીન-ઉલ-હક તથા રવિ બિશ્નોઈને વિકેટ અપાવી હતી.
રાજસ્થાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. રાહુલે મૅચ પહેલાંની ટૂંકી મુલાકાતમાં કહ્યું, “અમે ટૉસ જીત્યા હોત તો અમે પણ બૅટિંગ જ લીધી હોત. પિચ બૅટિંગ માટે ખૂબ સારી છે. હું મેદાન પર પાછો આવીને ખૂબ ખુશ છું. છેલ્લા થોડા વર્ષોની વાત કરું તો ઈજા મારી પાક્કી દોસ્ત બની ગઈ છે. ઈજામુક્ત થઈને પાછા રમવા આવીએ ત્યારે શરૂઆતથી જ સારું પર્ફોર્મ કરવાની એક પ્રકારની ભૂખ ઉઘડે છે અને પછી એ ભૂખ વધતી જાય છે.”
રાહુલનો ઈજા સાથે બહુ જૂનો સંબંધ છે. ૨૦૨૩ની આઈપીએલમાં તે ઇન્જરીની લીધે ન રમી શકતા કૃણાલ પંડ્યાએ લખનઊનું સુકાન સંભાળવું પડ્યું હતું. બે મહિના પહેલાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ તેને ઈજા થઈ હતી.
હવે તે આ આઈપીએલમાં સારું રમીને તથા ફિટનેસ જાળવીને જૂનના ટી-૨૦ વર્લ્ડ કપમાં સિલેક્ટ થવા મક્કમ છે.