રહાણેનો સતત બીજો ગોલ્ડન ડક, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી વધુ મુશ્કેલ
થુમ્બા (તિરુવનંતપુરમ): ત્રણ વર્ષ પહેલાં પોતાની શાનદાર કૅપ્ટન્સીમાં ભારતને ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ જિતાડનાર અજિંક્ય રહાણેએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે 85 ટેસ્ટ મૅચ રમ્યો છે અને તેને 100 ટેસ્ટ પૂરી કરવી જ છે. જોકે રણજી ટ્રોફીમાં ગયા અઠવાડિયે આંધ્ર સામેની મૅચમાં પોતાના પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થયા પછી અહીં કેરળ સામે પણ ગોલ્ડન ડકમાં શિકાર થઈ જતાં ટીમ ઇન્ડિયામાં તેની વાપસી માટેની સંભાવના વધુ ઘટી ગઈ છે.
100 ટેસ્ટ પૂરી કરવાનું રહાણેનું સપનું ક્યારે પૂરું થશે એ અત્યારે કહી ન શકાય; કારણકે મુંબઈના કૅપ્ટન તરીકે તે સફળતા માણી રહ્યો છે, પરંતુ બૅટિંગનું નબળું ફૉર્મ તેને સતત સતાવે છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તેની માત્ર એક હાફ સેન્ચુરી (78 રન) છે અને એ પણ ત્રિપુરા જેવી નબળી ટીમ સામે હતી.
રહાણે ભારત વતી ટેસ્ટમાં છેલ્લે 2022માં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો. ત્યાર પછી તેને નબળા ફૉર્મને કારણે ફરી ટીમમાં નથી સમાવાયો. ટીમ ઇન્ડિયામાં તેના સ્થાને યુવાન ખેલાડીને લેવાનો સિલેક્ટરોના આગ્રહ રહ્યો છે. રહાણે તો શું, ટેસ્ટ-સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્ર્વર પુજારાને પણ થોડા સમયથી ટેસ્ટ ટીમમાં સ્થાન નથી મળતું.
રહાણે માટે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે રણજી ટ્રોફી એકમાત્ર માધ્યમ છે, પણ એમાં તે સતત ફ્લૉપ જઈ રહ્યો છે. ટેસ્ટના મિડલ-ઑર્ડર માટે ભારત પાસે ઘણા વિકલ્પો છે. શ્રેયસ ઐયર કમબૅક ગમે ત્યારે કરશે, જ્યારે કે.એલ. રાહુલનું પણ હાલનું ફૉર્મ શાનદાર રહ્યું છે.