IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

KKR vs PBKS highlights: બેરસ્ટૉ-શશાંકે કોલકાતાની બોલિંગનો કચરો કરી નાખ્યો, પંજાબનો ટી-20માં સફળ રન-ચેઝનો વર્લ્ડ રેકૉર્ડ

ઈડનમાં વિક્રમજનક 42 છગ્ગા અને 37 ચોક્કાનો વરસાદ: પંજાબે 262 રનનો ટાર્ગેટ 8 વિકેટ, 8 બૉલ બાકી રાખીને મેળવ્યો

કોલકાતા: પંજાબ કિંગ્સે શુક્રવારે હાઈ-સ્કોરિંગ મુકાબલામાં બૅટર્સ માટેના સ્વર્ગ ઈડન ગાર્ડન્સમાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સને આઠ બૉલ બાકી રાખીને આઠ વિકેટના મોટા માર્જિનથી હરાવી દીધું હતું. ઈજાગ્રસ્ત શિખર ધવન વિના પણ વિક્રમી વિજય મેળવી શકાય એ સૅમ કરૅનના સુકાનમાં પંજાબની ટીમે પુરવાર કર્યું.

પંજાબે 262 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં (આઠ બૉલ બાકી રાખીને) ફક્ત બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. ટી-20 ફૉર્મેટના ઇતિહાસમાં ક્યારેય કોઈ ટીમે સફળ રન-ચેઝમાં આટલા રન નહોતા બનાવ્યા. ટી-20ની મૅચો રમાવાની શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ટાર્ગેટ મળ્યા પછીના સફળ રન-ચેઝમાં સાઉથ આફ્રિકાનો વેસ્ટ ઇન્ડિઝ સામેનો સ્કોર (259/4) હાઈએસ્ટ હતો. જોકે હવે પંજાબની ટીમે 262/2ના સ્કોરને વિક્રમજનક તરીકે લખાવી દીધો છે.
આ આઇપીએલમાં હૈદરાબાદે 287નો સર્વોત્તમ સ્કોર નોંધાવ્યો તો પંજાબે પાવર બતાવીને 262 રનનો સફળ રન-ચેઝનો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવી દીધો.


મૅન ઑફ ધ મૅચ જૉની બેરસ્ટૉ (108 અણનમ, 48 બૉલ, નવ સિક્સર, આઠ ફોર) અને શશાંક સિંહ (68 અણનમ, 28 બૉલ, આઠ સિક્સર, બે ફોર)ની જોડીએ ત્રીજી વિકેટ માટે 84 રનની અતૂટ ભાગીદારી કરી હતી. ખરેખર તો પંજાબના જે ચાર બૅટર્સે બૅટિંગ કરી એમાં ચારેયે નાનું-મોટું યોગદાન આપ્યું. પ્રભસિમરન સિંહ (54 રન, 20 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) અને રાઇલી રોસોઉ (26 રન, 16 બૉલ, બે સિક્સર, એક ફોર) તરફથી પણ ટીમને ઉપયોગી ફાળો મળ્યો હતો. કોલકાતાના સાતમાંથી એક જ બોલર (સુનીલ નારાયણ)ને વિકેટ લેવામાં સફળતા મળી હતી. તેણે 24 રનના ખર્ચે રોસોઉને આઉટ કર્યો હતો, જ્યારે પ્રભસિમરન રનઆઉટ થયો હતો. ચમીરાની બોલિંગમાં 48 રન, હર્ષિત રાણાની બોલિંગમાં 61 રન, અનુકૂલ રૉયની બોલિંગમાં 36 રન, વરુણની બોલિંગમાં 46 તેમ જ રસેલની બોલિંગમાં 36 રન બન્યા હતા. રમણદીપના ચાર બૉલમાં નવ રન બન્યા હતા.


બેરસ્ટો આ સીઝનમાં છેક શુક્રવારે અસલ મિજાજમાં રમ્યો હતો. તે આ સીઝનનો નવમો અને પંજાબનો પ્રથમ સેન્ચુરિયન બન્યો હતો.


આખી મૅચમાં 18+24=42 સિક્સર ફટકારવામાં આવી હતી. વિક્રમજનક 42માંથી 18 સિક્સર કોલકાતાની અને 24 સિક્સર પંજાબની ઇનિંગ્સમાં જોવા મળી હતી. પંજાબની ઇનિંગ્સમાં છેલ્લે-છેલ્લે એક તબક્કે 12માંથી છ બૉલમાં છગ્ગો ફટકારાયો હતો. આખી મૅચમાં કુલ 22+15=37 ચોક્કા પણ ફટકારાયા હતા.

આ સીઝનમાં શુક્રવાર અગાઉ એક પણ ટીમ પંજાબ સામે 200 કે 200-પ્લસ રન નહોતી બનાવી શકી, પરંતુ કોલકાતાએ એ કરી દેખાડ્યું. એની સામે છ વિકેટે 261 રન બનાવ્યા તો પંજાબે એને બૅટિંગમાં પોતાનું પાણી બતાવી દીધું હતું. પૂરપાટ કોઈ ગાડી અન્ય ગાડીથી આગળ નીકળી જાય એમ પંજાબે (સંભવિત પરાજયને વિજયમાં ફેરવવાની ઉતાવળમાં) કોલકાતાને ઘમરોળી નાખીને એને પરાસ્ત કર્યું હતું.

એ પહેલાં, ઈડન ગાર્ડન્સમાં કોલકાતાએ 20 ઓવરમાં છ વિકેટે 261 રન બનાવીને મહેમાન ટીમને 262 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. 261 રન ઈડનમાં હાઈએસ્ટ સ્કોર હતો, પણ હવે 262 રન હાઇએસ્ટ છે.


ઓપનર્સ ફિલ સૉલ્ટ (75 રન, 37 બૉલ, છ સિક્સર, છ ફોર) અને સુનીલ નારાયણ (71 રન, 32 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની જોડીએ શરૂઆતથી ધમાકા પર ધમાકા કર્યા હતા અને 138 રનની વિક્રમી ઓપનિંગ ભાગીદારી કરી હતી.
વેન્કટેશ ઐયરે 23 બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી 38 રન, કૅપ્ટન શ્રેયસ ઐયરે 10 બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 28 રન અને આન્દ્રે રસેલે 12 બૉલમાં બે સિક્સર, બે ફોર સાથે 24 રન બનાવ્યા હતા.


શ્રેયસે હરીફ સુકાની સૅમ કરૅનની એક ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ફોર સહિત 23 રન બનાવ્યા હતા. રિન્કુ સિંહ ફક્ત પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબના છ બોલર્સમાંથી અર્શદીપ સિંહે બે વિકેટ તેમ જ સૅમ કરૅન, રાહુલ ચાહર અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી. રબાડાને બાવન રનમાં અને હરપ્રીત બ્રારને 21 રનમાં વિકેટ નહોતી મળી.

અનફિટ શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબના કૅપ્ટન સૅમ કરૅને ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. જોકે ત્યારે એવું લાગ્યું કે જેમ દિલ્હીના રિષભ પંતે બે અઠવાડિયા પહેલાં હૈદરાબાદને બૅટિંગ આપીને ભૂલ કરી હતી અને પૅટ કમિન્સની ટીમ 266 રન બનાવી ગઈ હતી એમ કોલકાતાની ટીમ આ મૅચમાં 287 રનનો આઇપીએલ-રેકૉર્ડ તોડશે અથવા 300 રન સુધી પણ પહોંચી શકશે. જોકે એવું કંઈ બન્યું નહોતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning