વિનેશ ફોગાટ, આખો દેશ તારી પડખે છે: સચિન તેન્ડુલકર
ભારતીય રેસલરને ગેરલાયક ઠરાવાતાં ગાવસકર, વિજેન્દર સહિત અનેકે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં 50 કિલો વર્ગમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટનું નિર્ધારિત વજન કરતાં માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાથી તેને ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી એટલે તે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ બન્નેમાંથી એક જીતવાની સુવર્ણ તક ચૂકી ગઈ એને પગલે ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકર તેમ જ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર અને બૉક્સર વિજેન્દર સિંહ સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પર સચિને વિનેશ ફોગાટ ઉપરાંત કુસ્તી દરમ્યાન ઈજા પામવાને કારણે મેડલ જીતવાની તક ગુમાવનાર નિશા દહિયાની ભરપૂર પ્રશંસા કરી છે અને તેમને ઑલિમ્પિક્સમાંથી થયેલી બાદબાકી બદલ સાંત્વન આપ્યું છે.
ભારત સરકાર અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશને વિનેશના ડિસ્ક્વૉલિફિકેશન સામે વિરોધ નોંધાવ્યો છે.
સચિને ટ્વિટર પર લખ્યું છે, ‘વિનેશ ફોગાટ અને નિશા દહિયા, તમારા સાહસ અને દૃઢ સંકલ્પે આખા દેશને પ્રેરિત કર્યો છે. નિશા, તું ઈજાગ્રસ્ત હોવા છતાં લડતી રહી એ કાબિલેદાદ હતું. વિનેશ, તારી ફાઇનલ સુધીની સફર શાનદાર રહી. પરિણામો જેટલી આશા હતી એવા નથી રહ્યા, પણ તમે બન્ને ચૅમ્પિયન છો. તમે બન્ને તમારું માથું ઊંચુ રાખજો, કારણકે આખો દેશ તમારી પડખે છે. ભારત માટે બનતું બધુ કરી છૂટવા બદલ તમારો ધન્યવાદ. અમને તમારા બન્ને પર બહુ ગર્વ છે.’
આ પણ વાંચો: વિનેશ નિવૃત્તિ પાછી ખેંચી લેશે? વિનેશના કાકાએ કર્યો આવો દાવો
સુનીલ ગાવસકરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘વિનેશ ફોગાટને આ રીતે ડિસ્ક્વૉલિફાય કરવી મોટી કમનસીબી અને અન્યાય કહેવાય. મને ખાતરી છે કે ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન અને ભારત સરકાર લાગતાવળગતા સત્તાધીશો પાસે જોરદાર રજૂઆત કરશે. આ ફાઇનલ હતી, કોઈ પ્રારંભિક રાઉન્ડ નહોતો.’
વિનેશની કઝિન સિસ્ટર ગીતા ફોગાટે વિનેશને સિલ્વર મેડલ આપવાની માગણી કરી હતી, જ્યારે ભૂતપૂર્વ ચૅમ્પિયન સાક્ષી મલિકે જણાવ્યું હતું કે ‘આ બહુ આઘાતજનક કહેવાય. જો સંભવ હોત તો મેં મારો ઑલિમ્પિક મેડલ (બ્રૉન્ઝ) વિનેશ ફોગાટને આપી દીધો હોત.’
બૉક્સર વિજેન્દર સિંહે કહ્યું હતું કે ‘વિનેશ ફોગાટ જેવા દિગ્ગજ કુસ્તીબાજને મોટી સ્પર્ધા પહેલાં પોતાનું વજન ક્ધટ્રોલમાં રાખવાની બહુ સારી ફાવટ હોય છે. મને તો લાગે છે કે વિનેશનું વજન ફાઇનલ પહેલાંની ચકાસણીમાં 100 ગ્રામ વધુ બતાવાયું એ કોઈ પ્રકારનું કાવતરું લાગે છે.’
ભારતીય સંઘના મેડિકલ હેડ ડૉ. દિનશા પારડીવાલા શું કહે છે?
પૅરિસ ઑલિમ્પિક્સમાં મુંબઈના જાણીતા ડૉક્ટર દિનશા પારડીવાલા ભારતીય સંઘના મેડિકલ હેડ છે. તેમના મતે ‘દરેક કુસ્તીબાજ નીચલી કૅટેગરીમાં લડવા માટે પોતાનું વજન ઘટાડે છે. વિનેશ ફોગાટના કિસ્સામાં એવું છે કે અગાઉ તે મોટા ભાગે 53 કિલો વજનની કૅટેગરીમાં લડી અને એમાં તેનું વજન સામાન્ય રીતે 55થી 56 કિલો રહેતું હતું. તેણે 50 કિલો વજનની કૅટેગરી અપનાવી એટલે તેણે પ્રત્યેક હરીફાઈ પહેલાં લગભગ છ કિલો વજન ઘટાડવું પડ્યું. વેઇટમાં અચાનક ઘટાડો કરવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. અહીં સ્પર્ધાના પ્રથમ દિવસ બાદ તેનું વજન 1.5 કિલો વધી ગયું હતું. જોકે મર્યાદિત સમયમાં તે વજન ઘટાડી નહોતી શકી. અચાનક વજન ઘટાડવામાં ઍથ્લીટને શારીરિક તકલીફ પણ થઈ શકે અને ડૉક્ટર એની પરવાનગી નથી આપતા. અમે વિનેશના કિસ્સામાં તેનું વજન 50 કિલો કૅટેગરીથી નીચે લાવવા બનતા બધા પ્રયત્નો કર્યા હતા. વાળ કાપવા સહિત બધા ઉપાય કર્યા હતા. ઍથ્લીટને ડિહાઇડ્રેશન ન થાય એ હેતુથી તેને થોડું પાણી તો પીવા દેવું જ પડે. મંગળવારના બાઉટ્સ પછી વિનેશનું વજન વધી ગયું હતું કોચે હંમેશની માફક તેનું વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી, પણ તેનું 100 ગ્રામ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ નોંધાયું હતું.’